મુંબઈ: નવું વર્ષ રોકાણકારો માટે નવી આશા લઇને આવ્યું છે. આજે શુક્રવારે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 70 પોઈન્ટના વધારા સાથે 85,259 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 8 પોઈન્ટના વધારા સાથે 26,155 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં કુલ 1,351 શેરોમાં વધારો નોંધાયો અને 8,71 શેરમાં ઘટાડો નોંધાયો, જ્યારે 156 શેર સ્થિર રહ્યા.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર મારુતિ સુઝુકી, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ટાટા સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ વધારો નોંધાયો. ઓટો, મેટલ અને એનર્જી શેરોમાં તેજી જોવા મળી રહી છે.
ટાઇટન કંપની, ટાટા કન્ઝ્યુમર, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ્સ અને બજાજ ફાઇનાન્સના શેરોમાં ઘટાડો નોંધાયો.
જાણકારોના જણાવ્યા મુજબ આજે પણ બજારમાં વધારે હિલચાલ નહીં જોવા મળે, કેમ કે રોકાણકારો હાલમાં વૈશ્વિક સંકેતો અને આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા છે.
શરૂઆતના કારોબારમાં GIFT નિફ્ટી 26,314 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા 23 પોઈન્ટ(0.09%) ઉપર છે.
ગઈ કાલે નવા વર્ષના પહેલા દિવસે યુએસ શેર માર્કેટ બંધ રહ્યા હતાં. જો કે નાતાલ બાદ S&P 500 અને નાસ્ડાક 100માં ઘટાડો નોંધાયો હતો. બંને ઇન્ડેક્સમાં સતત ત્રણ વર્ષથી બે આંકડામાં વધારો નોંધાઈ રહ્યો છે.
ગઈ કાલે, નવા વર્ષાના પહેલા દિવસે ભારતીય શેરબજાર મિશ્ર વલણો સાથ બંધ રહ્યા હતાં. સેન્સેક્સ 32 પોઈન્ટ (0.04%)ના ઘટાડા સાથે 85,188.60 પર બંધ થયો, જ્યારે નિફ્ટી-50 17 પોઈન્ટ (0.06%)ના વધારા સાથે 26,146.55 પર બંધ થયો હતો.