દિલ્હી પોલીસે બે ભાઈ સામે ‘ઝીરો એફઆઈઆર’ નોંધી કેસ ભિવંડીમાં ટ્રાન્સફર કર્યો
થાણે: ભિવંડીમાં સગીર વયથી જાતીય શોષણનો ભોગ બનેલી યુવતીએ હવે લગ્ન બાદ દિલ્હીમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસે બે ભાઈ વિરુદ્ધ ‘ઝીરો એફઆઈઆર’ નોંધી કેસ ભિવંડીમાં ટ્રાન્સફર કર્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ બાવીસ વર્ષની ગૃહિણીએ તાજેતરમાં નવી દિલ્હી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. નવી દિલ્હી પોલીસે ગુનો નોંધી કેસ ભિવંડીના ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો. ભોઈવાડા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
કેસ પેપર્સ અનુસાર હાલમાં નજફગઢમાં રહેતી યુવતીને આરોપી સુદીપ ઉપાધ્યાય તેના વતનથી 2018માં ભિવંડી લઈ આવ્યો હતો. વધુ ભણતરની સુવિધા કરાવવાને બહાને યુવતીને ભિવંડી લાવવામાં આવી હતી. તે સમયે યુવતી 10મા ધોરણમાં હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદીને ભિવંડી લાવ્યા પછી સુદીપ તેના વતન ગયો હતો. આ સમયગાળામાં સુદીપના ભાઈ સંદીપે અનેક વાર ફરિયાદી સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું. સંદીપના આવા કરતૂતની ફરિયાદીએ સુદીપને જાણ કરતાં તેણે લગ્ન કરવાની ખાતરી આપી બનેલી ઘટનાની કોઈને જાણ ન કરવા ફરિયાદી પર કથિત દબાણ કર્યું હતું.
બાદમાં સુદીપે પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે ફરિયાદીને ફરજ પાડી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે બન્ને ભાઈએ ભિવંડીના તેમના નિવાસસ્થાને 2018થી ઑગસ્ટ, 2025 દરમિયાન ફરિયાદીનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું. જોકે ફરિયાદી નવી દિલ્હી કઈ રીતે પહોંચી અને તેણે ક્યારે લગ્ન કર્યાં એ તાત્કાલિક જાણી શકાયું નહોતું.
જરૂરી દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી ભોઈવાડા પોલીસે મંગળવારે બન્ને બાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. તેમની વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ પણ લગાવવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર એસ. આર. પાટીલે જણાવ્યું હતું. (પીટીઆઈ)