મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે બુધવારે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સદાનંદ દાતેને રાજ્યના નવા પોલીસ મહાનિદેશક (ડીજીપી) તરીકે નિયુક્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. 1990 બેચના આઈપીએસ અધિકારી અને ભૂતપૂર્વ એનઆઈએ ડીજી ડૉ. સદાનંદ દાતે 3 જાન્યુઆરી 2026થી મહારાષ્ટ્રના પોલીસ મહાનિદેશક તરીકે કાર્યભાર સંભાળવાના છે. 26/11 મુંબઈ હુમલામાં શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સન્માનિત થયેલા છે. હાલના ડીજીપી રશ્મી શુક્લા આવતા વર્ષ 2026માં 3 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યાં છે. તેમની નિવૃત્તિ બાદ સદાનંદ દાતે રાજ્યના સર્વોચ્ચ ક્રમના આઈપીએસ અધિકારી રહેશે. જેથી તેમની નવા ડીજીપી તરીકે નિયુક્તિ કરવામાં આવશે.
ડીજીપી તરીકે બે વર્ષનો કાર્યકાળ રહેશે
વિગતે વાત કરીએ તો, 1990 બેચના આઈપીએસ અધિકારી સદાનંદ દાતે અગાઉ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના મહાનિદેશક તરીકે સેવા આપી ચૂક્યાં છે. તાજેતરમાં જ તેઓ મહારાષ્ટ્ર કેડરમાં પરત ફર્યા હતા. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના રાજ્ય ગૃહ વિભાગે બુધવારે આ સંબંધિત આદેશ જારી કરીને સદાનંદ દાતેને મહારાષ્ટ્ર પોલીસ દળના વડા તરીકે નિયુક્ત કર્યા છે.
‘આર્થિક ગુનાઓ’ વિષય પર ડૉક્ટરેટ થયેલા છે સદાનંદ દાતે
સદાનંદ દાતેએ પુણે યુનિવર્સિટીના ‘આર્થિક ગુનાઓ’ વિષય પર પીએચડી એટલે કે ડૉક્ટરેટ થયેલા છે. સદાનંદની કામગીરી કરીને વાત કરવામાં આવે તો, 26/11ના મુંબઈ આતંકી હુમલામાં તેમણે લોકોને બચાવવાની સારી કામગીરી કરી હોવાથી હીરો તરીકે ખ્યાતિ પામેલા સદાનંદ દાતેને આ નિમણૂક બે વર્ષ માટે મળશે. તેમને તેમના શૌર્યપૂર્ણ કાર્યો બદલ રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 59 વર્ષના દાતે અગાઉ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના વડા પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)માં ડીઆઈજી, સીઆરપીએફમાં આઈજી (ઓપ્સ) તથા મીરા-ભાયંદર અને વસઈ-વીરારના પોલીસ કમિશનર તરીકે પણ સેવા આપી છે.