પોર્ટુગલને બદલે લિબિયા પહોંચાડી માતા-પિતા અને 3 વર્ષની બાળકીને બંધક બનાવ્યાં
મહેસાણાઃ જિલ્લાના બાદલપુરા ગામના ચાવડા પરિવારને એજન્ટોએ છેતરીને લિબિયા મોકલી દીધો છે, અહીં આ પરિવારને બંધક બનાવીને 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગવામાં આવી છે. પીડિત પરિવારે આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન, અને તેમની 3 વર્ષની બાળકીને લિબિયામાં બંધક બનાવવામાં આવ્યા છે.
બાદલપુરા ગામનો પરિવાર લિબિયામાં ફસાયો
અપહરણકર્તાઓએ પરિવારને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું કે, ‘2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે...’ આ પરિવાર મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી છે. કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન અને તેમની 3 વર્ષની બાળકીને લિબિયામાં બંધક બનવાવામાં આવપ્યાં છે. આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા, પરંતુ એજન્ટોએ છેતરીને પોર્ટુગલને બદલે લિબિયા મોકલી દીધા અને અહીં બંધક બનાવી દેવામાં આવ્યાં છે. આ પરિવારને લિબિયામાં કોઈ એકાંત જગ્યાએ રાખ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પહેલા આરોપીઓએ 54,000 ડોલર માંગ્યા હતાં
અપહરણકર્તાઓ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. પહેલા આરોપીઓએ 54,000 ડોલર એટલે કે લગભગ 45 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ હવે આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો પરિવારને મુક્ત કરવા માટે હવે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી રહ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ રકમ 54,000 ડોલર સાથે મળીને લગભગ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે.
પરિવારે કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી
આ મામલે હવે ચાવડા પરિવારે મહેસાણા કલેક્ટર કચેરીએ રજૂઆત કરીને મદદ માંગી છે. મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે સત્વરે મદદની માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આ કેમાં મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ પરિવાર સુરક્ષિત રીતે ભારત પાછો આવે તે માટે વિદેશ મંત્રાલય સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.