નિશા સંઘવી
પ્રવાસ દેશમાં હોય કે પછી વિદેશનો હોય, એમાં ફ્લાઇટ અને હૉટેલના બુકિંગથી લઈને હરવા-ફરવા માટેના આયોજન સુધીની ઘણી બધી ઝીણવટભરી તૈયારીઓ કરવાની હોય છે. આવામાં, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ એટલે કે પ્રવાસ વીમો અગત્યની વસ્તુ બની જાય છે. વાસ્તવમાં પાસપોર્ટ જેટલું જ પ્રવાસ વીમાનું પણ મહત્ત્વ હોય છે, કારણ કે પ્રવાસ સાથે આર્થિક જોખમ સંકળાયેલું હોય છે.
પ્રવાસ દરમિયાન, ન કરે નારાયણ, કોઈ આર્થિક તકલીફ ઊભી થાય તો પ્રવાસ વીમો એ સંકટને પહોંચી વળવામાં ઘણો મદદરૂપ સાબિત થાય છે. ઘરથી દૂર ગયેલા માણસને વીમાનો સહારો ઘણો જ હૂંફાળો લાગતો હોય છે એ એક વાસ્તવિકતા છે.
પ્રવાસ વીમો શા માટે?
પ્રવાસ દરમિયાન કોઈ માંદગી આવી પડે, ઍરલાઇન્સને લગતી કોઈ સમસ્યા ઊભી થાય કે પછી સામાન ગુમ થઈ જાય, એ બધી જ ઘટનાઓ સામે પ્રવાસ વીમો નાણાકીય રક્ષણ પૂરું પાડે છે. મોટું નાણાકીય જોખમ હોય એ સંજોગોમાં થોડું પ્રીમિયમ ભરીને વીમો લેવામાં આવે તો ઘણી જ માનસિક રાહત મળે છે.
ફ્લાઇટ રદ થાય કે મોડી થાય ખરાબ હવામાનને લીધે કે પછી ઍરલાઇન્સના કર્મચારીઓની હડતાળ કે પછી હમણાં થયું તેમ પાઈલટોના પ્રોબ્લેમને લીધે ‘ઈન્ડિગો એરલાઈન્સ’ની સંખ્યાબંધ ફ્લાઈટસ કેન્સલ થઈ તે સંજોગોમાં પ્રવાસ વીમો ઉપયોગી થાય છે. ટિકિટ ભાડાની રકમ, હૉટેલનાં સંલગ્ન બુકિંગ કે પછી સમગ્ર ટૂર એ તમામ બાબતોને આવરી લેનારો પ્રવાસ વીમો કઢાવી શકાય છે.
ફ્લાઇટ જ્યારે અમુક નિશ્ચિત સમયગાળા કરતાં વધુ લાંબા સમય સુધી મોડી પડે ત્યારે અમુક પ્રવાસ વીમા પૉલિસી ભોજન, સ્થાનિક પરિવહન તથા રહેવાની વ્યવસ્થાના ખર્ચને પણ આવરી લે છે. કોઈ કનેક્ટિંગ ફ્લાઇટ પકડી શકાય નહીં તો એને લીધે થનારું નુકસાન પણ ઘણી પૉલિસીઓ હેઠળ આવરી લેવામાં આવે છે.
ફ્લાઇટ ચૂકી જવાની સ્થિતિ સર્જાય તો...
ફ્લાઇટ ચૂકી જવાની ઘટના અણધાર્યા સંજોગોને લીધે બનતી હોય છે. એક જગ્યાએ મોડું થાય તો પછીના સંપૂર્ણ પ્રવાસ પર એની અસર થતી હોય છે. પરિણામે, સંબંધિત ખર્ચમાં પણ વધારો થાય છે, જેમકે તમે કોઈ ફ્લાઇટ ચૂકી જાઓ તો, નવું બુકિંગ વધારે મોંઘું પડે એવું શક્ય છે. વળી, ધાર્યા પ્રમાણે બુકિંગ મળે નહીં તો ક્યાંક રોકાવું પણ પડે.
આમ, આ બધી બાબતોને પ્રવાસ વીમા હેઠળ આવરી લેવામાં આવે છે. દરેક પ્રવાસ વીમા પૉલિસીનાં નિયમો અને શરતો અલગ અલગ હોય છે. આથી એને સમજી લીધા બાદ પૉલિસી કઢાવવી જોઈએ.
પાસપોર્ટ ગુમ થાય તો...
વિદેશપ્રવાસ દરમિયાન પાસપોર્ટ ગુમ થવાની ઘટનાઓ પણ સામાન્ય છે. આવામાં પ્રવાસનું સંપૂર્ણ આયોજન ખોરવાઈ જાય છે. એ તો સારું છે કે હવે સર્વગ્રાહી આંતરરાષ્ટ્રીય પ્રવાસ વીમા પૉલિસી મળવા લાગી છે, જે મોટા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડે છે. પાસપોર્ટ ગુમ થઈ જાય તો ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવવો પડે, જેમાં અરજી કરવા માટેની ફી ચૂકવવી પડે છે તથા દસ્તાવેજો તૈયાર કરાવવાનો ખર્ચ થાય છે. જો સર્વગ્રાહી પ્રવાસ વીમા પૉલિસી કઢાવેલી હોય તો, આર્થિક નુકસાનથી બચી જવાય છે.
હવાઈપ્રવાસ દરમિયાન સામાન ચોરાઈ જવાની કે ગુમ થઈ જવાની અથવા તો પછીની ફ્લાઇટમાં મોડેથી પહોંચવાની સમસ્યા પણ ઘણી સામાન્ય બાબત બની ચૂકી છે. એને લીધે હાલાકી ભોગવવી પડે છે. સાથે જ આર્થિક નુકસાન પણ થાય છે. આવામાં પ્રવાસ વીમા હેઠળ આ સ્થિતિને આવરી લેનારી પૉલિસી કઢાવી શકાય છે. સામાન ચોરાઈ જાય તો એના મૂલ્ય જેટલી રકમ વીમાધારકને ચૂકવવામાં આવે છે. જો સામાન મોડેથી આવવાની સ્થિતિ સર્જાય તો, અમુક સમયગાળા પછી વૈકલ્પિક ચીજવસ્તુઓ ખરીદવા જેટલી રકમ વીમાધારકને ચૂકવવામાં આવે છે.
મેડિકલ ઈમરજન્સી વખતે...
વિદેશમાં માંદા પડવું એ જાણે ઘણો મોટો ગુનો હોય છે. ભારતની તુલનાએ વિદેશમાં તબીબી સારવારનો ખર્ચ પારાવાર હોય છે. ખાસ કરીને વિકસિત દેશોમાં એ વધુ પડતો હોય છે. ઈમરજન્સીની સ્થિતિમાં વીમાધારકને હૉસ્પિટલાઇઝ કરવામાં આવે કે પછી આઉટપેશન્ટ સારવાર આપવામાં આવે, ઈમરજન્સીમાં એકથી બીજી જગ્યાએ લઈ જવાની જરૂર પડે અથવા તો સ્વદેશ પાછા મોકલવાના સંજોગો ઊભા થાય તો પ્રવાસ વીમા પૉલિસી હેઠળ એને લગતા ખર્ચ આવરી લેવાતા હોય છે. આમ, પ્રવાસ વીમાની મદદથી તબીબી કટોકટી આર્થિક સંકટમાં પરિણમતી અટકાવી શકાય છે.
સાહસી કે જોખમી પ્રવૃત્તિઓને લગતો ખર્ચ...
ઘણા લોકોને સાહસી પ્રવૃત્તિઓ કરવામાં ખાસ રૂચિ હોય છે. એમાં ટ્રેકિંગ, સ્કિઈંગ, સ્ક્યુબા ડાઇવિંગ, વગેરેનો સમાવેશ થાય છે. આવી પ્રવૃત્તિઓ જોખમી હોય છે.
જો વીમાધારક એમાં ઈજાગ્રસ્ત કે ઘાયલ થાય તો એમના બચાવકાર્યથી લઈને તબીબી સારવાર સુધીનો ખર્ચ પ્રવાસ વીમા હેઠળ આવરી લેવાય એવી પૉલિસી પણ ઉપલબ્ધ છે.
ક્યારેક સાહસી પ્રવૃત્તિને લગતાં ઉપકરણોનું નુકસાન થાય તો એને પણ પૉલિસી હેઠળ સામેલ કરી શકાય છે. અહીં નોંધવું ઘટે કે આ બધી પ્રવૃત્તિઓ પરવાનાધારક ઓપરેટર દ્વારા જ સંચાલિત થતી હોવી જોઈએ.
આ છે પ્રવાસીઓ માટે કેટલાંક વ્યાવહારિક સૂચન...
પ્રવાસ વીમા પૉલિસી કઢાવતાં પહેલાં પ્રવાસીએ દરેક નિયમ અને શરતનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો જોઈએ.
ફ્લાઇટ કેન્સલેશન, ફ્લાઇટમાં વિલંબ, સામાનનું નુકસાન, મેડિકલ ઈમરજન્સી, સાહસી પ્રવૃત્તિઓ, વગેરેમાંથી જે જોઈએ તે બાબતને પૉલિસી હેઠળ આવરી લેવાની તકેદારી રાખવી જરૂરી છે. પૂરતી રકમનો વીમો લેવા ઉપરાંત કઈ સ્થિતિમાં ક્લેમ પાસ નહીં થાય, કઈ બાબતો પૉલિસી હેઠળ આવરી લેવાયેલી નથી (દા.ત. પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ કે પછી નશો કર્યાની સ્થિતિ), વગેરે બાબતોને પણ ધ્યાનમાં રાખવી. મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ગુમ થવાની કે ચોરાઈ જવાની સ્થિતિ સહિતની બાબતો પૉલિસી હેઠળ આવે છે કે નહીં એ પણ ચકાસી લેવું જોઈએ.
ટૂંકમાં...
પ્રવાસ પાછળ મોટો ખર્ચ થતો હોય ત્યારે પ્રવાસ વીમાના પ્રીમિયમનો ખર્ચ મોટો લાગવો જોઈએ નહીં.
પ્રવાસ વીમાને લીધે મળતું આર્થિક રક્ષણ ઘણી બધી રીતે ઉપયોગી થાય છે.
પ્રવાસનો આનંદ માણવા માટે મન શાંત હોવું જોઈએ અને મનને શાંત રાખવામાં પ્રવાસ વીમો ઘણો મહત્ત્વપૂર્ણ હોય છે.