નવી દિલ્હીઃ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની ગેરન્ટી આપતી સૌથી મોટી યોજના 'મનરેગા'ના નામને લઈને સંસદમાં હોબાળો થઈ ગયો છે. મંગળવારે લોકસભામાં કેન્દ્ર સરકારે આ યોજનાનું નામ અને સ્વરૂપ બદલવા માટે નવું બિલ રજૂ કર્યું છે, જેને વિપક્ષે સરકારની 'નામ બદલો નીતિ' ગણાવી હતી.
વિપક્ષનો આરોપ છે કે સરકાર માત્ર જૂની યોજનાઓના નામ બદલીને પોતાની બ્રાન્ડિંગ કરી રહી છે, જ્યારે સરકારનો તર્ક છે કે આ પરિવર્તન ભારતને 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના વિઝનનો એક ભાગ છે. વાસ્તવમાં આ એક યોજના સુધી સીમિત નથી, પરંતુ વ્યાપક રાજનીતિ અને વૈચારિક બદલાવો હિસ્સો છે. છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં જૂની યોજના, રસ્તાઓ, સંસ્થાઓ અને કાયદાઓને નવા નામ મળ્યા છે, જેને નવી ઓળખ મળી છે.
શું છે 'મનરેગા'નો નવો અવતાર?
વર્ષ 2005માં યુપીએ (UPA) સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના' હવે નવા કાયદા ‘વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન’ (VBG RAM G) તરીકે ઓળખાશે. સરકારના જણાવ્યા અનુસાર આ નવા મિશન હેઠળ ગ્રામીણ પરિવારોને 100 દિવસને બદલે 125 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવશે. આ યોજના માત્ર મજૂરી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જળ સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા મહત્વના પાસાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
સરકારની આ 'રી-બ્રાન્ડિંગ' નીતિ માત્ર યોજનાઓ પૂરતી સીમિત નથી. દિલ્હીના ઐતિહાસિક 'રાજપથ'નું નામ બદલીને 'કર્તવ્ય પથ' કરવામાં આવ્યું છે, તો 'રેસ કોર્સ રોડ' હવે 'લોક કલ્યાણ માર્ગ' તરીકે ઓળખાય છે.
આ ઉપરાંત, બ્રિટિશ કાળના જૂના કાયદાઓ જેવા કે IPC અને CrPC ના સ્થાને 'ભારતીય ન્યાય સંહિતા' અને 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' લાગુ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ ફેરફારો ગુલામીની માનસિકતામાંથી બહાર આવવા અને ભારતીય મૂલ્યોને સ્થાપિત કરવા માટે અનિવાર્ય છે. વિપક્ષનો દાવો છે કે છેલ્લા એક દાયકામાં કોંગ્રેસ સરકારની યોજનાના નામ મોદી સરકારે બદલ્યા છે. સરકારે લગભગ 28 જેટલી જૂની યોજનાના નામ બદલી નાખ્યા છે. આ યાદીમાં અનેક સીમાચિહ્નરૂપ યોજનાઓ સામેલ છે: