Sat Dec 13 2025

Logo

White Logo

ધુરંધરની સફળતા પછી અક્ષય ખન્ના હવે નવા : અવતારમાં જોવા મળશે, લૂક વાયરલ

7 hours ago
Author: mumbai samachar teem
Video

મુંબઈઃ બોલીવુડ અને સોશિયલ મીડિયા પર અત્યારે ધુરંધર ફિલ્મ અને અક્ષય ખન્નાનું નામ ચર્ચામાં છે. અક્ષય ખન્ના વિવિધ રોલ કરવા માટે જાણીતો છે, પરંતુ ધુરંધર" ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ અક્ષય ખન્ના સમાચારમાં છે. ફિલ્મમાં ડાકુ રહેમાનની ભૂમિકાની દર્શકો અને વિવેચકો બંને દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. 

દરેક અક્ષયના દમદાર અભિનયની ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન, પ્રશાંત વર્માની સુપરહીરો ફિલ્મ 'મહાકાલી'નું અક્ષય ખન્નાનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરે રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. 'મહાકાલી'ના નવા પોસ્ટરમાં અક્ષય ખન્નાના લુકે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

પ્રશાંત વર્માએ શુક્રાચાર્ય તરીકે અક્ષય ખન્નાનો લુક શેર કર્યો અને લખ્યું હતું 'દેવોની નિશ્રામાં, સૌથી તેજસ્વી જ્યોત પ્રગટી. રહસ્યમય અક્ષય ખન્નાને શાશ્વત અસુરગુરુ 'શુક્રાચાર્ય' તરીકે રજૂ કરી રહ્યા છીએ. પોસ્ટરમાં અક્ષય ખન્ના એક પથ્થરના કિલ્લાની સામે ઊભો છે. તેણે લાંબો કાળો ઝભ્ભો પહેર્યો છે, અને તેની એક આંખ ચાંદીની જેમ ચમકી રહી છે, જે તેના દેખાવને વધુ ઘેરો અને વધુ શક્તિશાળી બનાવે છે.

પોસ્ટરમાં અક્ષય એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. તેને ભારે મેકઅપ સાથે ઋષિ જેવો લુક આપવામાં આવ્યો છે. તેની લાંબી દાઢી, લહેરાતા  વાળ અને ઋષિ જેવી રહસ્યમય આભા તેના પ્રભાવશાળી લુકમાં વધારો કરે છે. તેને ઓળખવો મુશ્કેલ છે.

"મહાકાલી"નું દિગ્દર્શન પૂજા અપર્ણા કોલ્લુરુએ કર્યું છે, જેની આ દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ છે. આરકેડી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્માણ અને સહ-લેખન પ્રશાંત વર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હાલમાં નિર્માણાધીન છે. સંગીત સ્મરણ સાઈએ તૈયાર કર્યું છે અને સિનેમેટોગ્રાફી સુરેશ રાગુથુ દ્વારા કરવામાં આવી છે. બાકીના કલાકારો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.