મુંબઈ : મુંબઈ નાશિક હાઈવે પર રોડ પહોળો કરવાના શરુ કરવામાં આવેલા કામના લીધે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ટ્રાફિક ડાયવર્ઝન ચાર મહિના માટે અમલમાં રહેશે. જેમાં માજીવાડા અને વડપે વચ્ચે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ અંગે થાણે પોલીસે નોટીફિકેશન જાહેર કરીને વૈકલ્પિક રુટ જાહેર કર્યો છે.
ડાયવર્ઝન 9 એપ્રિલ 2026 સુધી લાગુ રહેશે
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં ખારેગાવ અંડરપાસ પર ટેકનિકલ કામ ચાલુ છે. જેના લીધે પણ ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન 9 એપ્રિલ 2026 સુધી લાગુ રહેશે. જેના લીધે લોકોને ચાર માસ સુધી પરેશાની સામનો કરવો પડશે.
થાણે જતા વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે કાલવા ગલ્ફ બ્રિજનો ઉપયોગ કરવા નિર્દેશ
મુંબઈ-નાસિક હાઇવેથી ખારેગાંવ તરફ જતા વાહનોને ખારેગાંવ ટોલ પ્લાઝા, ગેમન રોડ, પારસિક ચોક અથવા સાકેત થઈને ગલ્ફ બ્રિજનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમજ ભિવંડી અને થાણે તરફ જતા વાહનો માટે ચોક્કસ સ્થળોએ પ્રવેશ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ભિવંડી તરફ જતા વાહનોને ખારેગાંવ, પારસિક ચોક અને ગાયમન રોડ થઈને વાળવામાં આવશે. જ્યારે થાણે તરફ જતા વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે કાલવા ગલ્ફ બ્રિજ આપવામાં આવ્યો છે.
ખારેગાંવ અંડરપાસ પર ટેકનિકલ કામ ચાલુ
જયારે મુંબઈ-નાસિક હાઇવે પર દરરોજ હજારો વાહનો મુંબઈ, થાણે, કાલવા, ભિવંડી, કલ્યાણ અને નવી મુંબઈ તરફ જાય છે. આ વાહનો માજીવાડા થઈને વડપે જાય છે. જોકે, સાંકડા રસ્તાને લીધે ટ્રાફિક જામનો પ્રશ્ન થાય છે. તેથી રસ્તો પહોળું કરવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. જયારે આ ઉપરાંત ખારેગાંવ અંડરપાસ પર ટેકનિકલ કામ ચાલી રહ્યું છે. જેના લીધે ટ્રાફિક પોલીસે આ માર્ગ પર ટ્રાફિકને કામચલાઉ ધોરણે બંધ કરી દીધો છે.
પ્રતિબંધ કટોકટી સેવાઓ પર લાગુ નહી પડે
થાણે ટ્રાફિક પોલીસે નોટીફિકેશન જાહેર કરીને વૈલ્ક્પિક રુટ જાહેર કર્યો છે. તેમાં જણાવાયું છે કે આ પ્રતિબંધ કટોકટી સેવાઓ પર લાગુ નહી પડે. મુંબઈ, કાલવા-મુમ્બ્રા અને કલ્યાણ-ડોંબિવલીના અનેક લોકો નાશિક, ગુજરાત, પનવેલ અને કોંકણ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. તેથી, લોકોને ટ્રાફિક પોલીસની સૂચનાઓનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે.