ગાંધીનગર : ગુજરાતમાં સાયબર ફ્રોડ કરનારા પર સકંજો કસવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યમાં ઓપરેશન મ્યૂલ હન્ટ હેઠળ અઠવાડિયામાં 494 પોલીસ ફરિયાદ દાખલ કરીને 340 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં સાયબર સુરક્ષા અંગે રાજ્ય સરકારની સતર્કતા અને સફળતા અંગે થયેલી ચર્ચાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડમાં જતા નાણાંને ફ્રીઝ કરવાની કામગીરીમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
નાગરિકો માટે 1930 હેલ્પલાઇન મદદરૂપ
સાયબર ક્રાઇમમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે 1930 હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જ્યારે કોઈ નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને છે, ત્યારે તેની ફરિયાદ મળતા જ સાયબર પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે. આ હેલ્પલાઇન દ્વારા સાયબર ગુનેગારના ખાતામાં પહોંચતા નાણાંને અધવચ્ચે જ અટકાવી ફ્રીઝ કરી દેવામાં આવે છે.
નાણાં ફ્રીઝ કરવાની ક્ષમતામાં 50 ટકા જેટલો વધારો
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ કામગીરી માટે રાજ્યનું 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દિવસ-રાત કાર્યરત છે. છેલ્લા ત્રણ મહિનામાં સાયબર સેલની કામગીરીમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. અગાઉની સરખામણીએ ફ્રોડ થયેલા નાણાં ફ્રીઝ કરવાની ક્ષમતામાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે, જે રાજ્યની સુરક્ષા એજન્સીઓની કાર્યક્ષમતા દર્શાવે છે