Mon Jan 05 2026

Logo

White Logo

ફરી મરાઠી માણસ વડા પ્રધાન બને એવી શક્યતા: : પૃથ્વીરાજ ચવ્હાણનો ચોંકાવનારો દાવો

3 weeks ago
Author: mumbai samachar teem
Video

પુણે: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પુણેના પિંપરી-ચિંચવડ ખાતેની સભામાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આવનારી ૧૯ ડિસેમ્બરે એક મોટી ઘટના બનવાની સંભાવના છે, જેના કારણે એક મરાઠી માણસ દેશના વડા પ્રધાન બની શકે છે. પિંપરી-ચિંચવડ ખાતેની જાહેર સભામાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે ફરી મરાઠી માણસ વડા પ્રધાન બને એવી શક્યતા વ્યક્ત કરી હતી. 

ચવ્હાણે દાવો કર્યો હતો કે આવનારી ૧૯ ડિસેમ્બરે કોઈ મોટી ઘટના બનશે અને તેના કારણે મરાઠી માણસ દેશના વડા પ્રધાન બની શકે છે. તેમના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ ગઈ છે. 

ચવ્હાણે અમેરિકાના એક કાયદાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ૧૯ ડિસેમ્બરે અમેરિકી સંસદમાં એફસ્ટીન નામના વ્યક્તિ સાથે જોડાયેલા એક કેસમાં મોટી જાણકારી જાહેર થવા જઈ રહી છે. તેમણે સંકેત આપ્યો કે આ માહિતીને કારણે કેટલાક મોટા નેતાઓના નામ સામે આવવાની સંભાવના છે અને તેની પરોક્ષ અસર ભારતીય રાજકારણ પર પણ પડી શકે છે.

પૃથ્વીરાજ ચવ્હાણે પોતાના ભાષણમાં સ્પષ્ટતા કરી હતી કે ૧૯ ડિસેમ્બરે શું થશે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. હાલમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોએ ચોક્કસ પગલાં લીધા છે અને કેટલાક લોકોના નામ વડા પ્રધાન પદ માટે ચર્ચામાં છે. તેથી આશા છે કે કંઈક સકારાત્મક બનશે. જો આવું થશે, તો એક મરાઠી માણસ ભારતનો વડા પ્રધાન બનશે, એમ ચવ્હાણે કહ્યું. 

ચવ્હાણે વધુમાં કહ્યું કે જો કોઈ મરાઠી વ્યક્તિ વડા પ્રધાન બનવા માંગે, તો વર્તમાન વડા પ્રધાને બાજુ પર રહેવું પડશે. પરિવર્તનની શક્યતા છે, પરંતુ જો આ પરિવર્તન થાય તો પણ કોંગ્રેસમાંથી વડા પ્રધાન નહીં બને, કારણ કે કોંગ્રેસ પાસે હાલમાં બહુમતી નથી, એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.