Mon Dec 22 2025

Logo

White Logo

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા પર ભારતનું રાજકારણ ગરમાયું, : પ્રિયંકા ગાંધીએ એક્શન લેવાની કરી માગ

2 days ago
Author: Tejas
Video

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ફરી એકવાર ફરી હિંસા અને અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય અસ્થિરતાની વચ્ચે લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિંદુઓ પર હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. તાજેતરમાં કથિત ઈશનિંદાના આરોપમાં એક હિંદુ યુવકની ટોળાએ હત્યા કરી હતી. જે બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ સ્થિતિને પગલે ભારતની સરહદે અને રાજકીય ગલિયારાઓમાં પણ તણાવમાં વધારો થયો છે.

હિંસાની આ ઘટના મેમનસિંહ શહેરમાં બની હતી, જ્યાં 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસ નામના હિંદુ યુવકને કથિત ઈશનિંદાના આરોપસર ટોળાએ પકડીને ઠોર માર માર્યો હતો. હિંસક ભીડે યુવકની હત્યા કર્યા બાદ તેના શરીરને આગ ચાંપી દીધી હતી. દીપુ એક ફેક્ટરીમાં કામ કરતો હતો. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં વસતા હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ લઘુમતીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, જેના કારણે ભારત સરકાર પર રાજકીય દબાણ વધી રહ્યું છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ નૃશંસ ઘટનાને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, કોઈપણ સભ્ય સમાજમાં ધર્મ કે જાતિના આધારે હિંસા સ્વીકાર્ય નથી. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે તેઓ બાંગ્લાદેશની સરકાર સાથે વાત કરે અને ત્યાં વસતા હિંદુઓ સહિતના તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજદ્વારી સ્તરે દબાણ લાવે.
 

બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં ભારત વિરોધી શક્તિઓ સક્રિય છે, છતાં ભારત સરકાર લાંબા સમયથી 'મૂકપ્રેક્ષક' બનીને બેઠી છે. ગેહલોતે 'વેટ એન્ડ વોચ'ની નીતિ છોડીને તાત્કાલિક અસરકારક ડાયલોગ શરૂ કરવાની માંગ કરી છે. દરમિયાન, બાંગ્લાદેશની અંતરિમ સરકારે આ હિંસાની નિંદા કરતા ખાતરી આપી છે કે ગુનેગારોને છોડવામાં આવશે નહીં.