Sun Dec 14 2025

Logo

White Logo

પવન સિંહને મળેલી ધમકી મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગની સ્પષ્ટતા, : કહ્યું અમે બધું ખુલ્લેઆમ કરીએ છીએ....

18 hours ago
Author: Tejas
Video

મનોરંજન જગત અને ગેંગસ્ટરો વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને મળેલી કથિત ધમકીના મામલે હવે એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે પવન સિંહને ધમકી મળી હોવાના અહેવાલો બાદ હવે ગેંગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ મામલેમાં ગેંગસ્ટર હરિ બોક્સરનો એક ઓડિયો મેસેજ વાયરલ થયો છે, જેણે આખી ઘટનાને નવું રૂપ આપ્યું છે.

વાયરલ થયેલા ઓડિયો મેસેજમાં ગેંગસ્ટર હરિ બોક્સરે સ્પષ્ટ કર્યું છે કે પવન સિંહને તેમના તરફથી કોઈ પણ પ્રકારનો ફોન કે ધમકી આપવામાં આવી નથી. ગેંગસ્ટરના મતે, પવન સિંહ કદાચ પોલીસ સુરક્ષા મેળવવાના ઈરાદાથી ગેંગનું નામ વાપરી રહ્યા છે. હરિ બોક્સરે આક્ષેપ કર્યો છે કે આ આખા પ્રકરણમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગને કારણ વગર ઢસેડવામાં આવી રહી છે. તેણે વધુમાં ઉમેર્યું કે, પવન સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા હોવા છતાં ગેંગે ક્યારેય તેમનો સંપર્ક કર્યો નથી.

ઓડિયો મેસેજમાં ગેંગસ્ટરનો સ્વર અત્યંત આક્રમક જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે, "લોરેન્સ બિશ્નોઈ ગેંગ જે પણ કરે છે તે જાહેરમાં કરે છે." આ મેસેજમાં ફરી એકવાર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગેંગસ્ટરે ધમકીભર્યા લહેજામાં કહ્યું કે, જે કોઈ પણ સલમાન ખાન સાથે કામ કરશે તેને ધમકી નહીં પણ સીધી ગોળીઓનો સામનો કરવો પડશે. આ નિવેદને ફિલ્મ જગતમાં ફરી એકવાર ડરનો માહોલ પેદા કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરના રોજ પવન સિંહ જ્યારે મુંબઈમાં 'બિગ બોસ'ના ફાઈનલ શૂટિંગ માટે હાજર હતા, ત્યારે તેમને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી હતી. મેસેજમાં તેમને સલમાન ખાન સાથે કામ ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું. જોકે પવન સિંહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમની સુરક્ષા અને પ્રોટોકોલ વધારી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ આ વાયરલ ઓડિયોની સત્યતા તપાસી રહી છે.