Mon Dec 22 2025

Logo

White Logo

ભારતીય વિમાનો માટે પાકિસ્તાની એરસ્પેસ : હજુ એક મહિનો બંધ રહેશે...

5 days ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હી: ભારતીય સુરક્ષા દળોએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો છે, તેનાથી પાકિસ્તાન હજુ સુધી બહાર આવી શક્યું નથી. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે કરેલી આકરી સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઠેકાણાઓને ભારે નુકસાન થયું હતું. ભારતને આર્થિક કે સૈન્ય રીતે કોઈ મોટું નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહેલું પાકિસ્તાન હવે હવાઈ માર્ગો પર પ્રતિબંધ મૂકીને પોતાનો રોષ ઠાલવી રહ્યું છે.

પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) એ એક નવો આદેશ બહાર પાડીને ભારતીય વિમાનો માટેના તેના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) પરનો પ્રતિબંધ વધુ એક મહિના માટે લંબાવી દીધો છે. અગાઉ આ પ્રતિબંધ 24 ડિસેમ્બરે પૂરો થવાનો હતો, પરંતુ હવે ભારતીય રજિસ્ટર્ડ વિમાનો 23 જાન્યુઆરી 2026 સુધી પાકિસ્તાની સરહદમાં પ્રવેશી શકશે નહીં. આ નિર્ણયને કારણે દિલ્હીથી પશ્ચિમના દેશોમાં જતી ફ્લાઇટ્સને ફરીથી લાંબો રૂટ લેવાની ફરજ પડશે.

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન સત્તામંડળ (PCAA) દ્વારા જારી કરવામાં આવેલા NOTAM મુજબ, આ પ્રતિબંધ માત્ર સરકારી એરલાઇન્સ પૂરતો મર્યાદિત નથી. ભારતીય એરલાઇન્સની માલિકીના, સંચાલિત અથવા લીઝ પર લેવાયેલા તમામ ખાનગી વિમાનો અને ભારતીય સૈન્ય વિમાનો પર પણ આ રોક લાગુ રહેશે. પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર કરાચી અને લાહોર એમ બે ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજનમાં વહેંચાયેલું છે અને આ બંને વિસ્તારોમાં ભારતીય વિમાનોની એન્ટ્રી પર સદંતર મનાઈ ફરમાવવામાં આવી છે.

આ વિવાદના મૂળ એપ્રિલમાં થયેલા પહેલગામ આતંકી હુમલામાં રહેલા છે, જેમાં 26 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ મે મહિનામાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાકિસ્તાને એ સમયે ભારતીય એરલાઇન્સ માટે પોતાની સરહદો બંધ કરી દીધી હતી, જેના જવાબમાં ભારતે પણ પાકિસ્તાની વિમાનો પર સમાન પ્રતિબંધો લાદ્યા હતા. બંને દેશો વચ્ચેની આ ખેંચતાણને કારણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને આર્થિક ફટકો પડી રહ્યો છે અને મુસાફરીનો સમય પણ વધી રહ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ એરસ્પેસ વોર માત્ર સુરક્ષાના કારણોસર નથી, પરંતુ તે વણસતા દ્વિપક્ષીય સંબંધોનું પરિણામ છે. પાકિસ્તાન વારંવાર પ્રતિબંધ લંબાવીને ભારત પર દબાણ લાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ભારત પણ પોતાની સુરક્ષા નીતિમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. આવનારા દિવસોમાં 23 જાન્યુઆરી બાદ પાકિસ્તાન શું વલણ અપનાવે છે તેના પર આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિષ્ણાતોની નજર રહેશે.