પોરબંદરઃ પોરબંદરના માર્કેટયાર્ડમાં એક અનોખું કુતૂહલ સર્જાયું હતું. કેસર કેરીનો સ્વાદ માણવા લોકો ઉનાળાની રાહ જોતા હોય છે, પરંતુ પોરબંદરમાં ભરશિયાળે કેસર કેરીનું આગમન થયું છે. અત્યારે માર્કેટમાં કેરીની આવક થતાં વેપારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. અમરેલીના ખાંભા પંથકમાંથી 10 કિલો કેસર કેરી પોરબંદર યાર્ડમાં આવી હતી. સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં કેસર કરી બજારમાં આવતી હોય છે, પરંતુ અત્યારે ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં કેસર કરી આવી હોવાથી કેરી રસિકોમાં આનંદ વ્યાપ્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાંથી આ ત્રીજી વખત 10 કિલો કેરીનો જથ્થો વેચાણ માટે આવ્યો હતો.
ખાંભા પંથકમાંથી 10 કિલો કેસર કેરી પોરબંદર યાર્ડમાં આવી
પોરબંદરના માર્કેટયાર્ડમાં આ કેસર કેરીનો પ્રતિ કિલોએ 1151 રૂપિયા ભાવ બોલાયો હતો. પોરબંદર યાર્ડમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળી રહ્યા હોવાથી સૌરાષ્ટ્રના અન્ય પંથકમાંથી પણ ખેડૂતો અહીં માલ મોકલી રહ્યા છે. પોરબંદરના વેપારીઓએ આ મોંઘીદાટ કેસર કેરીની ખરીદી કરીને તેને ખાસ પેકિંગમાં યુકેમાં એક્સપોર્ટ કરી હતી. અમરેલીના વાડીઓમાં પાકેલી કેરી પોરબંદરના માધ્યમથી સાત સમંદર પાર પહોંચવાની છે. ગીર-તાલાલા બાદ હવે અમરેલી અને બરડા વિસ્તારના બગીચાઓમાં પણ શિયાળુ કેરીનો પાક જોવા મળી રહ્યો છે.
પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાંથી કેસર કેરીનું આગમન થયું
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ સુદામા ફ્રુટ કંપની ખાતે છેલ્લા 15 દિવસ દરમિયાન પોરબંદર, ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લાની એમ ત્રણ જિલ્લાઓમાંથી કેસર કેરીનું આગમન થયું છે. ગઈકાલે અમરેલી જિલ્લાના કંટાળા ગામથી 10 કિલો કેસર કેરી આવી હતી. આ કેરીની હરાજી દરમિયાન 1 કીલો કેરીનો ભાવ 1151 રૂપિયા એમ 10 કીલોનું 1 બોક્સ 11510 રૂપિયામાં વેચાયું હતું. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે આંબા પર પાંચ મહિના વહેલા કેરી આવી હોવાનું કૃષિ નિષ્ણાત માની રહ્યાં છે.