નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને બદલવા માટે લાવવામાં આવેલા 'વિકસિત ભારત ગારંટી રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) - VB-G RAM G' વિરુદ્ધ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. આ બિલ પહેલા સંસદના શિળાયુ સત્રમાં પાસ થયું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી હવે કાયદો બનવા જઈ રહ્યું છે. તેવામાં હવે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠક પછી લોકસભા વિપક્ષનેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ બિલનો ફરી વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, આ નિર્ણય નોટબંધી જેવો વિનાશકારી છે અને રાજ્યો તથા ગરીબો પર હુમલો છે.
કોંગ્રેસએ આ બિલને રાજ્ય વિરોધી અને ગ્રામીણ વિરોધી ગણાવ્યું
કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળની સલાહ વિના મનરેગામાં ફેરફાર કરી દીધો છે. 'VB-G RAM G મનરેગાનું પુનર્ગઠન નથી, પરંતુ અધિકાર આધારિત, માંગ આધારિત ગેરંટીને દિલ્હીથી નિયંત્રિત મર્યાદિત યોજના છે. આ કાયદો રાજ્ય વિરોધી અને ગ્રામીણ વિરોધી છે. વિપક્ષનો આરોપ છે કે, VB-G RAM G ના કારણે મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને મજૂરોના હક્કો છીનવાઈ જશે.
સરકારે ગરીબોની રોજગારી પર પ્રહાર કર્યાનો કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મનરેગા માત્ર યોજના નથી, સંવિધાનમાંથી મળેલો કામનો અધિકાર છે. મોદી સરકારે ગરીબોની રોજગારી પર પ્રહાર કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, મનરેગા ખતમ કરવું મહાત્મા ગાંધીનું અપમાન છે. સીડબ્લ્યુસી બેઠકમાં રાહુલ, સોનિયા, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજો હાજર રહ્યાં હતાં. કોંગ્રેસ પાર્ટીએ 5 જાન્યુઆરી, 2026થી દેશભરમાં 'મનરેગા બચાવો આંદોલન' શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.
કેન્દ્ર સરકારે આપેલી વિગતો પ્રમાણે VB-G RAM G બિલ દરેક ગ્રામીણ પરિવારને વર્ષે 125 દિવસની રોજગાર ગેરંટી આપે છે, પરંતુ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. આથી ગ્રામીણ ભારતના મજૂરોની સોદાબાજીની શક્તિ ખતમ થશે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ આ વિરોધને રસ્તાથી સંસદ સુધી લઈ જવામાં આવશે તેવું પણ કોંગ્રેસ જણાવ્યું હતું. વિપક્ષનું કહેવું છે કે, આ લોકશાહી, બંધારણ અને નાગરિક અધિકારો પર ગંભીર સંકટ છે. જેના કારણે 5 જાન્યુઆરીથી મનરેગા બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવશે.