Thu Dec 25 2025

Logo

White Logo

આપણે જે સાંતાક્લોઝને ઓળખીએ છીએ એ એક કંપનીની માર્કેટિંગ : સ્ટ્રેટેજીનું પરિણામ છે, ઓરિજનલ સાંતાક્લોઝ તો...

1 day ago
Author: Darshna Visaria
Video

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ક્રિસમસી માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પણ વેકેશન મોડમાં જોવા મળી રહ્યા છે. કોઈ પણ મોલ, પબ્લિક પાર્ક કે બ્રાન્ડના શો રૂમમાં જાવ તો ત્યાં ક્રિસમસ ટ્રી, સાંતા ક્લોઝ, ગિફ્ટ બોક્સ વગેરે જ નજરે પડે છે. પરંતુ શું તમને ખબર છે કે આપણે જે સાંતા ક્લોઝને જોઈને મોટા થયા છે એ હકીકતમાં તો જાણીતી કોલ્ડ ડ્રિન્ક બનાવતી બ્રાન્ડ કોકા કોલાની દેન છે? ચાલો તમને આજે ક્યુટ, ગોલુમોલુ, સફેદ દાઢીવાળા સાંતાદાદાના આ લૂક પાછળની સ્ટોરી જણાવીએ... 

ક્રિસમસનું નામ લઈએ તો સૌથી પહેલાં આંખો સામે આવે છે ગોળમટોળ, હસમુખ, સફેદ દાઢીવાળા, લાલ અને સફેદ કલરના સૂટ અને હાથમાં ઝોલો લઈને ઉભેલા સાંતાક્લોઝ. પરંતુ શું તમને ખબર છે કે આપણા મનમાં જે આ સાંતાક્લોઝની આ ઈમેજ છે એ આખી ઈમેજ ક્રિયેટ કરી છે કોકા કોલાએ. સાંતાક્લોઝનું આ વાસ્તવિક સ્વરૂપ છે જ નહીં. આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે તો પછી આખરે કંપનીએ આવું કેમ કર્યું, બરાબર ને? આ પાછળ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ અને જોરદાર માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. 

મૂળ સાંતાક્લોઝ તો દુબળા-પાતળા અને સાધુ જેવા

19મી સદી અને એ પહેલાંની સ્ટોરીમાં સાંતાક્લોઝ કે સેંટ નિકોલસનું સ્વરૂપ એકદમ અલગ હતું. એ સમયની પેઈન્ટિંગ અને બુક્સમાં સાંતાક્લોઝના ડ્રોઈંગ કે ચિત્ર જોઈએ તો ખ્યાલ આવશે કે તેઓ એકદમ પાતળા, લાંબા સાધુ જેવા દેખાતા હતા તો ક્યારેક તેઓ એકદમ ઠીંગણા અને ડરામણા બટકા માણસ જેવા દેખાતા હતા. કપડાંની વાત કરીએ તો કપડાં લીલા, બ્લ્યુ, સ્ક્રીન કે પીળા રંગના કપડાંમાં જોવા મળતાં હતા. ટૂંકમાં અત્યારે આપણે જે હેપ્પી ગો લકી સાંતાક્લોઝને ઓળખીએ છીએ એ એક કલ્પના છે અને હકીકતમાં સાંતાક્લોઝ એવા નહોતા દેખાતા. 

ક્રિસમસ, સાંતાક્લોઝ અને કોકા કોલાનું અનોખું કનેક્શન

1930ના દાયકામાં અમેરિકા ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું અને એ સમયે કોકા કોલા કંપની પણ ભારે કશ્મકશમાં હતી. એ સમયે કોકા કોલા માત્ર એક સમર રિફ્રેશમેન્ટ ડ્રિંક હતું અને જેવી ઠંડી શરૂ થતી એટલે કોકો કોલાનું વેચાણ ઘટી જતું. લોકો કોકા કોલાને ભૂલી જતાં હતા. કંપનીના ગોડાઉનમાં માલ પડ્યો રહેતો હતો અને વેચાણ ઠપ્પ થઈ જતું. આ જોઈને કોકો કોલાના મોટા અધિકારીને સમજાઈ ગયું હતું કે જો બિઝનેસ વધારવો હશે તો લોકોના મનમાંથી એ વાત કાઢવી પડશે કે કોકો કોલા એ એક સમર ડ્રિંક છે. કોકા કોલાને શિયાળા અને એમાં પણ ખાસ કરીને ક્રિસમસ સાથે જોડવું પડશે. 

હેપ્પી ગો લકી સાંતાક્લોઝ એક કલ્પના

બસ અહીંથી આવ્યો કહાની મેં ટ્વીસ્ટ. કંપનીએ નક્કી કર્યું કે તેઓ એક એવી એડ બનાવશે તે જે લોકોને ટચ કરી જાય. 1931માં કંપનીએ એક જાણીતા ઈલસ્ટ્રેટર અને કલાકાર હેડન સંડબ્લોમને એક જવાબદારી સોંપી. કંપનીની ડિમાન્ડ સીધી હતી કે તેમને એક એવો સાંતાક્લોઝ જોઈએ છે જે ડરામણો નહીં પણ લોકોને ગમે એવો, વ્હાલ, ખુશી અનુભવાય એવો હોય. 

એક મિત્ર અને કોકા કોલાની થીમે આપ્યો જન્મ 

.હેડન સંડબ્લોમે પોતાના એક મિત્રને સાંતાક્લોઝના મોડેલ તરીકે ઊભો કર્યો, જે એક રિટાયર્ડ સેલ્સમેન હતો. હેડને સાંતાક્લોઝને એક ખૂબ જ પ્રેમાળ, ગોળમટોળ, હસમુખ દાદાજી જેવો લૂક આપ્યો. આ સાંતાક્લોઝને જોઈને લોકોને ખુશી મળતી. હવે વાત આવી કપડાંની તો હેડને સાંતાક્લોઝના કપડાં કોકા કોલા કંપનીની થીમના આધારે જ ડિઝાઈન કર્યા અને લોકોને આ નવા સાંતાક્લોઝ ગમવા લાગ્યા અને લોકોના મનમાં એ જ ઈમેજ ઘર કરી ગઈ. 

33 વર્ષ સુધી કેમ્પેઈન ચલાવ્યું

કંપની અહીં જ ના રોકાઈ અને તેમણે 33 વર્ષ સુધી હેડન સંડબ્લોમ પાસે સાંતાક્લોઝની નવી નવી પેઈન્ટિંગ બનાવડાવી. ક્યારે બાળકો સાથે રમતા તો ક્યારેક ફ્રિજમાંથી કોકા કોલા ચોરતાં તો ક્યારેક રમકડાં વહેંચતા. દુકાનની બહારના બોર્ડ્સ, પોસ્ટર્સ, મેગેઝિન, ન્યુઝ પેપરમાં જ્યાં જુઓ ત્યાં રેડ કલરના ડ્રેસમાં સાંતાક્લોઝના ફોટો જોવા મળતાં. કંપનીનું આ કેમ્પેઈન એટલું અસરકારક હતું કે લોકો જૂના સાંતાક્લોઝને ભૂલી ગયા અને આ કાલ્પનિક સાંતાક્લોઝને જ અસલી માની બેઠા. 

બસ, આ રીતે કોકા કોલા કંપનીની એક સ્ટ્રોન્ગ માર્કેટિંગ સ્ટ્રેટેજીએ આજે આપણે જે હેપ્પી ગો લકી, જોલી સ્વભાવના સાંતાક્લોઝને ઓળખીએ છીએ એ સાંતાક્લોઝ આપ્યા. છે ને એકદમ અમેઝિંગ અને ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી? આવી જ બીજી સ્ટોરી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...