Mon Dec 08 2025

Logo

White Logo

રેલવે ટિકિટના એજન્ટો પર લાગશે હવે લગામ! : તત્કાલ ટિકિટ પર પણ OTP ફરજિયાત

4 days ago
Video

નવી દિલ્હી: રેલવેએ ટિકિટ એજન્ટો પર લગામ કસવા અને સામાન્ય મુસાફરોને સરળતાથી ટિકિટ ઉપલબ્ધ થાય તે હેતુથી વિન્ડો તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન મુસાફરના મોબાઈલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે, જે વેરિફિકેશન બાદ જ ટિકિટનું બુકિંગ પૂર્ણ થશે. આગામી થોડા દિવસોમાં દેશભરમાં ચાલતી તમામ ટ્રેનોમાં આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. રેલવેના મતે, આ પગલું તત્કાલ સુવિધાના દુરુપયોગને અટકાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

રેલવે આગામી દિવસોમાં તમામ ટ્રેનોની તત્કાલ કાઉન્ટર ટિકિટો માટે OTP આધારિત સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. હાલમાં, આ વ્યવસ્થાનું પાયલોટ પ્રોજેક્ટ 17 નવેમ્બર 2025ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને તેને 52 ટ્રેનો સુધી વિસ્તારવામાં આવ્યો છે. આ સિસ્ટમ હેઠળ, જ્યારે મુસાફર રિઝર્વેશન ફોર્મ ભરીને તત્કાલ ટિકિટ બુક કરાવે છે, ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવે છે. મુસાફરની ટિકિટ ત્યારે જ કન્ફર્મ થઈ શકે છે જ્યારે આ OTPનું સફળતાપૂર્વક વેરિફિકેશન થશે. આનાથી દલાલો માટે નકલી કે ડુપ્લિકેટ માહિતીનો ઉપયોગ કરવો મુશ્કેલ બનશે.

રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નવીનતા તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ, જુલાઈ 2025માં ઓનલાઈન તત્કાલ ટિકિટો માટે આધાર આધારિત પ્રમાણીકરણ શરૂ કરાયું હતું. ત્યારબાદ, ઓક્ટોબર 2025માં તમામ જનરલ રિઝર્વેશનની ફર્સ્ટ-ડે બુકિંગ માટે OTP આધારિત ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ બંને સિસ્ટમ મુસાફરો દ્વારા સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે, જેનાથી રિઝર્વેશન પ્રક્રિયામાં પારદર્શિતા અને સગવડ વધી છે.

નવા OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમને હવે બાકીની તમામ ટ્રેનો પર લાગુ કરવામાં આવશે. રેલવેનું માનવું છે કે આ પગલું ટિકિટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા, મુસાફર સુવિધા અને સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. દલાલો પર નિયંત્રણ આવતા, ખરેખર જરૂરિયાતમંદ સામાન્ય મુસાફરોને અંતિમ મિનિટોમાં પણ સરળતાથી તત્કાલ ટિકિટ મળી શકશે, જે લાંબા સમયથી પ્રવાસીઓની મુખ્ય માંગ રહી છે.