Wed Jan 07 2026

Logo

White Logo

અમરેલીના હનુમાન ખીજડીયા ગામમાં દીપડાએ : શ્વાનનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ

3 weeks ago
Author: Devayat Khatana
Video

અમરેલી: ગીર અને ગીરના સીમાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના આંટાફેરાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની બાદ હવે દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. વડિયા નજીકના હનુમાન ખીજડીયા ગામે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

મળતી વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાની સરહદને અડીને આવેલા અમરેલી જિલ્લાના હનુમાન ખીજડીયા ગામમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો. દીપડાએ ગામમાં એક શ્વાનનો શિકાર કર્યો હતો. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. શિકાર કર્યા બાદ દીપડો નાસી છૂટયો હતો.

ખેતર અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં દીપડાના આંટાફેરાથી ચિંતા વ્યાપી છે, જૂનાગઢ જિલ્લાની નજીકના ગામડાઓમાં વન્યપ્રાણીઓના આંટાફેરા ખૂબ સામાન્ય છે. ગિરનારથી નજીક હોવાના કારણે આ ગામડાઓમાં દીપડા તેમજ સિંહોની અવરજવરના બનાવ નોંધાતા રહે છે.

અન્ય એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં સિંહોના ટોળાએ ગામની મધ્યમાં પ્રવેશીને પશુઓનું મારણ કર્યું હતું. જેના દૃશ્યો સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કર્યા હતા