Thu Jan 01 2026

Logo

White Logo

રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં : ગોંડલના ગણેશ ગોંડલ અને બસ ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ થશે

3 weeks ago
Author: Chandrakant Kanoja
Video

રાજકોટ : રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની માંગ કોર્ટે ગ્રાહ્ય રાખતાં આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટ કરાશે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા(એસપી) પ્રેમસુખ ડેલુએ મંજૂરી માંગી હતી. રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી) કોર્ટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા (ગણેશ ગોંડલ) અને મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઈવર રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપતા ખળભળાટ મચી ગયો હતો.

પોલીસે બસ ચાલક રમેશ મેરની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 9 માર્ચ, 2025ના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પરથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ ૧૪ માર્ચે રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો કે રાજકુમારનું મોત કોઈ હુમલાથી નહીં પરંતુ માર્ગ અકસ્માતમાં થયું છે. તત્કાલીન ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મહાસાગર ટ્રાવેલ્સની બસની અડફેટે આવતા યુવકનું મોત થયું હતું, જે બાદ પોલીસે બસ ચાલક રમેશ મેરની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

 તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે 

જો કે, પોલીસની 'અકસ્માત' થીયરી સામે મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ આક્ષેપ કર્યો હતો, કે તેમના પુત્રનું મોત અકસ્માતથી નહીં, પરંતુ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ જાડેજાએ તેને નિર્મમતાથી માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ આક્ષેપો અને કેસની ગંભીરતાને ધ્યાને લઈને સત્ય બહાર લાવવા માટે નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી, જેને હવે કોર્ટે મંજૂરી આપી હતી. ઓક્ટોબરમાં હાઇકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એરપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.ડી.પુરોહિતને સોંપી હતી. તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે.