Thu Dec 11 2025

Logo

White Logo

નખત્રાણામાં યુવાનની કરપીણ હત્યા : શરીરના અંગો કાપી બોરવેલમાં નાખ્યાં અને ધડ તો...

1 day ago
Author: Vimal Prajapati
Video

કચ્છ: કચ્છના નખત્રાણા પંથકમાં આવેલા મુરૂ ગામમાં એક કરપીણ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે મહિલા સાથેના કથિત સંબંધ હોવાની આશંકાએ આ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. વિગતે વાત કરવામાં આવે તો, રમેશ પૂંજાભાઈ માહેશ્વરી નામના 19 વર્ષીય યુવાનની પરિણીત મહિલા સાથેના કથિત આડા સબંધને કારણે શરીરના છ ટુકડા કરીને ક્રુરતાપૂર્વક હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવતાં પંથકમાં ચકચાર પ્રસરી ગઈ હતી. આ ક્રૂર હત્યા અંગે નખત્રાણા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

છ દિવસથી યુવક લાપતા હોવાથી શોધખોળ શરૂ કરાઈ હતી

પોલીસે આપેલી વિગતો પ્રમાણે, રમેશ મહેશ્વરી છેલ્લા છ દિવસથી લાપતા હતો. આટલા દિવસ બાદ પણ તેની કોઈ ભાળ ના મળતા પોલીસને જાણ કરવામાં આવી અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મુરૂ ગામના જ કિશોર મહેશ્વરી અને સગીરવયના શંકમંદોની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર હત્યાનો ભાંડાફોડ થયો હતો. આરોપીના પરિવારની પરિણીત યુવતી સાથે મૃતક યુવાનના આડા સબંધ હોવા અંગે જાણ થતા રમેશની હત્યા કરી દેવાની યોજના બનાવી હતી. તેઓએ વાત કરવાના બહાને રમેશને ગામની સીમમાં બોલાવ્યો હતો અને તેને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધો હતો.

માથું અને હાથ-પગ કાપી અલગ અલગ બોરવેલમાં નાખ્યાં

ક્રૂરતાની વાત એ છે કે, આ આરોપીઓએ રમેશનું ધારિયા વડે તેનું માથું અને હાથ-પગ કાપી નાખી ત્રણ જુદી-જુદી બોરવેલમાં નાખી દીધા હતા. જ્યારે મૃતકનું ધડ બોરવેલની બાજુમાં ખાડો ખોદીને અંદર દાટી નાખ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. અત્યારે પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ હત્યાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસ દ્વારા હત્યાના સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી

હત્યારાઓએ આપેલી વિગતો બાદ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન જમીનમાં દાટેલું મૃતકનું ધડ મળી આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ મૃતકના બાકી અંગોને બોરવેલમાંથી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી હતી. આરોપીએ આ મૃતકના અંગોને એક જગ્યાએ નહીં પરંતુ ગામની સીમમાં આવેલા અલગ અલગ બોરવેલમાં નાખી દીધા હતા. આ હત્યા કેસ અત્યારે નખત્રાણા પંથકમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બે આરોપીઓ દ્વારા એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાના કારણે મામલો વધારે ચર્ચાઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી રહી છે.