Thu Jan 01 2026

Logo

White Logo

સંસદમાં આવતીકાલે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર થશે ચર્ચાઃ : PM Modi લોકસભામાં કરશે શરૂઆત

3 weeks ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. વંદે માતરમના 150 વર્ષ પુરા થવા પર આવતીકાલે સંસદમાં એક ખાસ ચર્ચા કરવામાં આવશે. ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય ગીત સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક તથ્યો ગૃહમાં રજૂ કરવામાં આવશે જેના અંગે ખૂબ ઓછા લોકો જાણે છે.

લોકસભાએ આવતીકાલે 'રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા' સૂચિબદ્ધ કરવામાં આવી છે અને ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ચર્ચામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બીજા વક્તા હશે તેવી સંભાવના છે જેમાં લોકસભામાં કોંગ્રેસના બીજા સૌથી મોટા નેતા ગૌરવ ગોગોઈ અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ચર્ચામાં સામેલ થશે. 

સંસદમાં ચર્ચા બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલી કવિતા વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વર્ષભર ચાલતી ઉજવણીનો એક ભાગ છે. જદુનાથ ભટ્ટાચાર્યે સંગીત આપ્યું હતું.

વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેણે 1937માં ગીતમાંથી મુખ્ય પંક્તિઓ દૂર કરી અને ભાગલાના બીજ વાવ્યા હતા. 7 નવેમ્બરના રોજ મોદીએ વંદે માતરમના 150મા વર્ષગાંઠની ઉજવણી માટે વર્ષભર ચાલનારા ઉજવણીઓનો પ્રારંભ કર્યો હતો, જેનો હેતુ ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને આ ગીતના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો.

અધિકારીઓએ કહ્યું હતું કે ચર્ચા દરમિયાન વંદે માતરમ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ અને અજાણ્યા પાસાઓ રાષ્ટ્ર સમક્ષ બહાર આવશે."  ગૃહપ્રધાન અમિત શાહ મંગળવારે રાજ્યસભામાં ચર્ચા શરૂ કરશે અને આરોગ્ય મંત્રી અને રાજ્યસભાના નેતા જે પી નડ્ડા બીજા વક્તા હશે. 

લોકસભા મંગળવાર અને બુધવારે ચૂંટણી સુધારા પર ચર્ચા પણ હાથ ધરશે, જેમાં મતદાર યાદીઓના સુધારણાની ચાલી રહેલી પ્રક્રિયા એસઆઈઆર સહિત વિવાદાસ્પદ વિષયના તમામ પાસાઓને આવરી લેવામાં આવશે. રાજ્યસભા બુધવાર અને ગુરુવારે ચૂંટણી સુધારા પર ચર્ચા હાથ ધરશે.

1 ડિસેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રના પહેલા બે દિવસની કાર્યવાહી એસઆઈઆર પર વિપક્ષના વિરોધને કારણે ખોરવાઈ ગઈ હતી, જેના કારણે વારંવાર કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.