અમદાવાદઃ વર્ષ 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદમાં અત્યારથી જ અનેક જગ્યાએ પાર્ટીના આયોજનો થવા લાગ્યા છે. શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં પકડાયેલા ડ્રગ્સના જથ્થા બાદ પોલીસ પણ સજાગ બની છે. પાર્ટીમાં ડ્રગ્સની રેલમછેલ ન થાય તે માટે સલાઈવા (લાળ)નો ટેસ્ટ શરૂ કર્યો છે.
મહિલાઓનું પણ સ્ક્રીનિંગ કરાયું
અમદાવાદ શહેર પોલીસે પકવાન ચાર રસ્તા અને સિંધુ ભવન રોડ પર 123 લોકોનું રેન્ડમલી ચેકિંગ કર્યું હતું. આ તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એસઓજી દ્વારા બપોરે 1.30 થી 4.30 દરમિયાન ઇન્સ્ટન્ટ રિઝલ્ટ સલાઈવા કિટનો ઉપયોગ કરીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન માત્ર પુરુષો જ નહીં અનેક મહિલાઓનું પણ સ્ક્રીનિંગ કરાયું હતું. જેને જોઈ ત્યાં હાજર રહેલા લોકો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. ઘણા લોકોએ યુવાનોને ડ્રગ્સથી બચાવવા માટે આ પગલાંને જરૂરી ગણાવીને આવકાર્યું હતું. જોકે કેટલાક લોકો આ અચાનત તપાસથી નારાજ પણ જણાયા હતા.
કેમ કરવામાં આવી આ કાર્યવાહી
સૂત્રોએ જણાવ્યું કે, નવા વર્ષ પહેલા ડ્રગ્સ વિરુદ્ધ શહેરવ્યાપી ઝુંબેશના ભાગરૂપે વરિષ્ઠ અધિકારીઓની સૂચના મુજબ ઓપરેશન હાથ ધરવામાં આવયું હતું. એક અઠવાડિયામાં એસઓજી અને સિટી ક્રાઈમ બ્રાંચે અનેક સ્થળો પર દરોડા પાડીને આશરે 25 જટેલા ડ્રગ પેડલર્સ અને સપ્લાયર્સની ધરપકડ કરી હતી. ડ્રગ્સની સપ્લાય ચેઈન સુધી પહોંચવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાથે મળીને આ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
કેવી રીતે થાય છે સલાઈવા ટેસ્ટ
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ 26 સલાઈવા કિટ લઈને આવી હતી. આ કિટ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે માત્ર મિનિટોમાં જ નક્કી કરી શકે છે. ટેસ્ટિંગ દરમિયાન FSL ના નિષ્ણાતોએ સ્વચ્છતા અને હાઈજીનનું પૂરતું ધ્યાન રાખ્યું હતું. સલાઈવા કિટની સાથે ટીમ દ્વારા દરેક વ્યક્તિના મોં અને નાકમાંથી સેમ્પલ લેવા માટે પ્લાસ્ટિક સ્ટ્રીપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્ટ્રીપ્સને કિટમાં નાખતા જ ગણતરીની મિનિટોમાં પરિણામ મળી જાય છે. આ કિટ એમફેટામાઇન, બેન્ઝોડાયઝેપાઈન્સ, કેનાબીસ (ગાંજો), કોકેઈન, મેથામ્ફેટામાઈન અને ઓપિયોઈડ્સની હાજરી શોધી શકે છે.
સ્થળો બદલાતા રહેશે
સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અલગ-અલગ સ્થળોએ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે. જ્યાં ડ્રગ્સ વેચાતું હોય અને સેવન થતું હોય તેવા ઘણા હોટસ્પોટ્સ શોધી કાઢવામાં આવ્યા છે. શહેરના કોઈપણ વિસ્તારમાં ગમે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસનો હેતુ લોકોને પરેશાન કરવાનો નથી, પરંતુ ડ્રગ યુઝર્સની ઓળખ કરીને આખા નેટવર્કને તોડવાનો છે. અમારો હેતુ યુવાનોને આ વ્યસનથી બચાવવાનો છે. નવા વર્ષની પાર્ટીઓ અને મોડી રાતની ઉજવણીઓમાં ડ્રગ્સના ફેલાવાનું જોખમ વધી જાય છે તેવા સમયે અમે લોકોને ડ્રગ્સના બંધાણી બનતા અટકાવવા પ્રયત્નશીલ છીએ.