Thu Dec 11 2025

Logo

White Logo

ઝૂંપડા વીજળીકરણ યોજનાઃ : ગુજરાત સરકારે 10 લાખથી વધુ ગરીબોના જીવનમાં પ્રકાશ પાથર્યો

1 day ago
Author: Vimal Prajapati
Video

ગાંધીનગર: ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ રૂપિયા 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2025-26માં ઝૂંપડા વીજળીકરણ યોજના માટે રૂપિયા 1,617 લાખના ખર્ચની જોગવાઈ કરી છે. આ સાથે જ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1.50 લાખ સુધી કરવામાં આવી છે.

શું છે ઝૂંપડા વીજળીકરણ યોજના ?

રાજ્યના ઊર્જા તથા પેટ્રોરસાયણ વિભાગ આ ઝૂંપડા વીજળીકરણ યોજના વર્ષ 1996-97થી અમલમાં મૂકવામાં આવી છે. યોજનાનો ઉદ્દેશ ગરીબ ઝૂંપડાવાસીઓને મફત વીજ જોડાણ આપવાનો છે. યોજનાનું અમલીકરણ અગાઉ ગુજરાત વિદ્યુત બોર્ડ (જીઈબી) દ્વારા કરાતુ હતું, પરંતુ 2003માં તે વખતના મુખ્ય પ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજ ક્ષેત્રે સુધારાઓનો સિલસિલો શરૂ કર્યો અને જીઈબીની પુનર્રચના કરતાં ચાર વીજ વિતરણ કંપનીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીસીજીએલ), મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ), પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) તથા ઉત્તર ગુજરાત વીજ કંપની (યૂજીવીસીએલ)ની રચના કરી. ત્યારથી ઝૂંપડા વીજળીકરણ યોજનાનું અમલીકરણ આ ચાર વીજ વિતરણ કંપનીઓ કરી રહી છે.

વધુમાં વધુ લાભ પહોંચાડવાં વધારવામાં આવી આવક મર્યાદા

ઊર્જા વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ ગરીબી રેખાથી નીચે જીવતાં (બીપીએલ) પરિવારો તથા બીપીએલ યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવા ગરીબોને પણ કોઈ પણ જાતના જાતિગત ભેદભાવ આપવામાં આવે છે. યોજના અંતર્ગત કોઈ પણ બીપીએલ કે અન્ય ગરીબ પરિવાર પોતાના ઝૂંપડામાં મફત વીજળી કનેક્શન પ્રાપ્ત કરી શકે અને વધુમાં વધુ ગરીબો આ યોજનાનો લાભ લઈ શકે, તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે સમયાંતરે વાર્ષિક આવક સીમામાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે વર્ષ 2018માં રાજ્ય સરકારે ગ્રામ્ય ઝૂંપડાવાસીઓ માટે રૂપિયા 47 હજારથી રૂપિયા 1 લાખ 20 હજાર સુધી તથા શહેરી ઝૂંપડાવાસીઓ માટે રૂપિયા 68 હજારથી રૂપિયા 1.50 લાખ સુધીની આવક મર્યાદા નક્કી કરી કરવામાં આવી છે. 

10થી વધારે ઝૂંપડાઓમાં મફત વીજ કનેક્શન 

આ અગાઉ આ આવક મર્યાદા ક્રમશઃ ગ્રામ્ય માટે રૂપિયા 27 હજારથી રૂપિયા 47 હજાર સુધી તથા શહેરી માટે રૂપિયા 35 હજારથી 47 હજાર હતી. આવક મર્યાદાનો વ્યાપ વધારવાથી લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો તેમજ વધુમાં વધુ ગરીબોના ઘરે ઉજાશ પ્રસરાવવામાં સફળતા મળી. રાજ્ય સરકારે ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત અત્યાર સુધી 10 લાખ 9 હજાર 736 ઝૂંપડાઓમાં મફત વીજ કનેક્શન પૂરા પાડ્યા છે કે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 1 લાખ 52 હજાર 466 ઝૂંપડાઓનું વીજળીકરણ થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2024-25માં આ યોજના હેઠળ રૂપિયા 1,617.03 લાખના ખર્ચે 25 હજાર 939 ઝૂંપડાઓને મફત વીજ કનેક્શન આપી તેમના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. 

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગરીબો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી વર્ષ 2025-26માં આ યોજના માટે રૂપિયા 1,617 લાખના ખર્ચની જોગવાઈ કરી છે કે જેથી વધુમાં વધુ ગરીબ ઝૂંપડાવાસોને ઘરોમાં વીજળીનો ઝળકાટ પહોંચી શકે અને તેમના જીવન સ્તરમાં સુધારો આવે તેમજ ઈઝ ઑફ લિવિંગમાં વધારો થાય તે મુખ્ય હેતું છે. 

કેવી લઈ શકાય યોજનાનો લાભ ?

ઝૂંપડા વીજળીકરણ યોજનાનું ઊર્જા તેમજ પેટ્રોરસાયણ વિભાગના અધિક મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળ અમલીકરણ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયૂવીએનએલ)ના મુખ્ય એન્જીનિયર (ટેક) દ્વારા યોજાનું અમલીકરણ કરાય છે. નક્કી આવક મર્યાદા ધરાવતા બીપીએલ કે અન્ય ગરીબ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારી/તાલુકા પંચાયત કચેરીમાં, જ્યારે શહેરી વિસ્તારના લાભાર્થીઓએ નગર પાલિકા/મ્યુનિસિપાલિટી કચેરીમાં અરજી આપવાની હોય છે. રજિસ્ટર્ડ અરજીઓની યાદી સંબંધિત વીજ વિવતરણ કંપના સાથે સંબંધિત ક્ષેત્રીય કચેરી ખાતે મોકલવામાં આવે છે અને ત્યાર બાદ જરૂરી માપદંડ પૂર્ણ કરતા અરજીકર્તાઓને મફત વીજ કનેક્શન આપવામાં આવે છે.