Sat Dec 13 2025

Logo

White Logo

માઈક્રોસોફ્ટને મુંબઈનું આકર્ષણ: : એશિયાનું સૌથી મોટું રોકાણ

15 hours ago
Author: Vipul Vaidya
Video

અબજોનું રોકાણ, 45 હજાર નોકરીઓ આવશે: સત્યા નાડેલા સાથેની મુલાકાત બાદ ફડણવીસની જાહેરાત 

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના વિકાસમાં એક મહત્ત્વના માઈલસ્ટોનરૂપી સમાચારમાં માઈક્રોસોફ્ટને મુંબઈનું આકર્ષણ થયું છે. વૈશ્ર્વિક સોફ્ટવેર દિગ્ગજ માઈક્રોસોફ્ટ મુંબઈમાં અબજો ડોલરનું રોકાણ કરશે અને તેને પગલે શહેરમાં 45,000 નોકરીઓનું સર્જન થશે એવી માહિતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા સાથે મુંબઈમાં મુલાકાત બાદ આપી હતી. નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભાના શિયાળુસત્રમાંથી સમય કાઢીને ફડણવીસ આ બેઠક માટે તાત્કાલિક મુંબઈ પહોંચ્યા હતા. 

મીટિંગ પછી મીડિયા સાથે વાત કરતા, ફડણવીસે સત્યા નાડેલા સાથેની બેઠક વિશે માહિતી આપી. રાજ્યમાં સ્થાપિત થનારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જીસીસી- ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે આ ગ્લોબલ સેન્ટર લગભગ બે મિલિયન ચોરસ ફૂટના વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે, અને તે લગભગ 45 હજાર નોકરીઓનું સર્જન કરશે. તેમણે એવો સંકેત આપ્યો હતો કે માઇક્રોસોફ્ટ સાથે ટૂંક સમયમાં સમજૂતીના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવશે.

ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નું હબ બનાવવામાં માઈક્રોસોફ્ટ ખૂબ જ સકારાત્મક અને સક્રિય ભૂમિકામાં છે. મીટિંગમાં તેમને માઈક્રોસોફ્ટના ‘પ્રાઈમ એઆઈ ઓએસ’નો ડેમો બતાવવામાં આવ્યો હતો. બંનેએ મીટિંગમાં કૃષિ, આરોગ્ય, વહીવટ, ઉદ્યોગ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં એઆઈને અસરકારક રીતે કેવી રીતે લાગુ કરી શકાય તેના પર ચર્ચા કરી હતી. 

માઈક્રોસોફ્ટ ભારતમાં 17.5 બિલિયન ડોલર (લગભગ 1.57 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરવા જઈ રહ્યું છે. તેને એશિયામાં માઈક્રોસોફ્ટનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે. નાડેલાએ સમજાવ્યું હતું કે આ રોકાણનો હેતુ એઆઈ, ક્લાઉડ અને ડેટા સેન્ટર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, લાખો ભારતીયોને નવી એઆઈ કુશળતામાં તાલીમ આપવા અને સુરક્ષિત ડેટા ઇકોસિસ્ટમ બનાવવાનો છે.