હાલમાં દેશભરમાં સરસ મજાની ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે. આવા આ ઠંડા વાતાવરણમાં હૂંફ મેળવવા માટે આપણામાંથી અનેક લોકો સ્વેટર, જેકેટ અને થર્મલ્સ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. મોટાભાગના લોકો રાતે આ સ્વેટર, થર્મલ્સ કે જેકેટ પહેરીને જ ઊંઘી જવાનું પસંદ કરે છે. ઠંડા વાતાવરણમાં સ્વેટર કે જેકેટ ભલે તમને હૂંફ આપવાનું કામ કરતાં હોય પણ શું તમને ખબર છે કે તમારી આ આદત નુકસાનકારક છે? ચાલો જાણીએ કે આ વિશે શું કહે છે એક્સપર્ટ્સ અને કઈ રીતે તમારી આદત તમને નુકસાન પહોંચાડી રહી છે.
શિયાળામાં સ્વેટર પહેરીને સૂવાની આદત કેટલી જોખમી છે અને તેને કારણે કઈ રીતે નુકસાન પહોંચે છે એ વિશે વાત કરતાં એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે આપણામાંથી અનેક લોકોનું એવું માનવું છે કે સ્વેટર કે જેકેટ પહેરીને ઉંઘવાથી ધાબળા કે બ્લેન્કેટની જરૂર ઓછી પડશે અને ઉંઘ સારી આવશે. પરંતુ હકીકત કંઈક અલગ છે. સાયન્ટિફિકલી આ હેબિટ ઉંઘની ગુણવત્તા બગાડી શકે છે. ચાલો જોઈએ કે કઈ રીતે સ્વેટર કે જેકેટ પહેરવું તમારા હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ઊંઘની ગુણવત્તા પર પણ જોવા મળે છે અસર
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જ્યારે પણ આપણે ઊંઘીએ છીએ ત્યારે બોડી ટેમ્પરેચર નેચરલી થોડું ઓછું થઈ જાય છે, જેને કારણે મેટાબોલિઝમ ધીમું પાડવામાં અને ગાઢ ઊંઘ માટે મદદ કરે છે. પરંતુ જ્યારે તમે ભારે સ્વેટર કે જેકેટ પહેરો છો, તો શરીરનું તાપમાન જરૂર કરતાં વધી જાય છે. આના કારણે મધરાતે પરસેવો થવો અથવા બેચેનીને લીધે ઊંઘ ઊડી જવાની સમસ્યા સતાવી શકે છે.
સ્કિન સંબંધિત સમસ્યા સતાવી શકે છે
વૂલન્સના કપડાં હવાની અવર-જવરને અટકાવે છે. રાતના સમયે ભારે ગરમ કપડાં પહેરી રાખવાથી પરસેવો વળે છે અને તે ત્વચા પર જમા થાય છે. આનાથી ત્વચામાં ખંજવાળ, લાલ ચકામા (Rashes) અથવા ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકોએ આ બાબતે સાવધ રહેવું જોઈએ.
હાર્ટના દર્દીઓએ રાખવી જોઈએ ખાસ કાળજી
શરીરને ઠંડીથી બચાવવા માટે સતત અત્યંત ગરમ કપડાં પહેરી રાખવાથી હાર્ટ પર દબાણ વધી શકે છે. એમાં પણ ખાસ કરીને જે લોકોને પહેલાંથી જ હાર્ટ સંબંધિત બીમારીઓ હોય, તેમણે રાતના સમયે હળવા કપડાં પહેરવા જોઈએ જેથી બ્લડ સર્ક્યુલેશન એકદમ પરફેકટલી થવામાં મદદ મળી રહે છે .
કેવી રીતે મેળવશો આરામદાયક ઊંઘ?
વાત કરીએ કઈ રીતે સારી ઉંઘ મેળવી શકાય એની તો એના માટેની કેટલીક સિમ્પલ અને સરળ ટિપ્સ અહીં આપવામાં આવી છે-
હળવા કપડાં પસંદ કરો: રાત્રે ભારે સ્વેટરને બદલે સુતરાઉ, કોટનના કપડાં અથવા હળવા ઊની કપડાં પહેરવા જોઈએ જે તમારી બોડીને પણ બ્રીધિંગ સ્પેસ મળી રહે.
રૂમનું ટેમ્પરેચર બેલેન્સ રાખો: જો બહુ ઠંડી લાગતી હોય તો રૂમ હીટરનો ઉપયોગ કરીને તાપમાન જાળવી શકાય છે, જેથી બહુ બધા ગરમ કપડાં પહેરવાની જરૂર ન પડે.
ઊંઘ પહેલાંની ટિપ્સ: સારી ઊંઘ માટે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવું, સ્નાન કરવું અથવા ધ્યાન (Meditation) કરવું ખૂબ જ ફાયદાકારક રહે છે.
કમ્ફર્ટને પ્રાધાન્ય આપો: સૌથી મહત્વની વાત તો એટલે કે તમે જે કપડાંમાં સહજ અનુભવતા હોવ એ જ કપડાં પહેરીને રાતે સૂવાનું રાખો.
ટૂંકમાં, કહેવાનું થાય તો શિયાળામાં ઠંડીથી બચવું જરૂરી છે પણ તેના માટે શરીરની કુદરતી પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.