Thu Jan 01 2026

Logo

White Logo

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં હોય તો પણ આવી શકે છે હાર્ટ એટેક: : શિયાળામાં રાખજો આટલી સાવધાની

6 days ago
Author: Himanshu Chavada
Video

Causes Of Heart Attack: હાર્ટ એટેકના કારણે દર વર્ષે ઘણા લોકો જીવ ગુમાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કેસમાં મોટો ઉછાળો જોવા મળે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે જો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં હોય તો હાર્ટ એટેક આવતો નથી. પરંતુ આ વાત 100 ટકા સાચી નથી. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં હોય તેમ છતાં પણ કેમ હાર્ટ એટેક આવી શકે છે, આવો જાણીએ.

શિયાળામાં કેમ રહે છે હાર્ટ એટેકનું જોખમ?

શિયાળામાં ઠંડીને કારણે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આપણી નસો અને રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેથી હૃદય સુધી ઓક્સિજન અને લોહી પહોંચાડવામાં અવરોધ ઉભો થાય છે, આના કારણે હાર્ટ એટેક આવી શકે છે. શિયાળામાં પરસેવો ઓછો વળે છે, જેના કારણે શરીરમાં પ્લાઝ્મા અને લોહીનું પ્રમાણ વધી જાય છે. લોહીના વધતા પ્રમાણને કારણે તેને પંપ કરવા માટે હૃદય પર વધુ ભાર પડે છે, પરિણામે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા અનિયંત્રિત બને છે. ઠંડીમાં શરીરમાં હોર્મોનલ ફેરફારો થાય છે, જે બ્લડ ક્લોટ પેદા કરી શકે છે. જો આવો કોઈ બ્લડ ક્લોટ હૃદયની ધમનીમાં ફસાઈ જાય, તો તે હાર્ટ એટેકનું જોખમ ઊભું કરી શકે છે.

હાર્ટ એટેકથી બચવાના ઉપાયો

જે લોકોને પહેલેથી જ હાઈ બ્લડ પ્રેશર (High BP) અથવા હૃદય સંબંધિત બીમારી અથવા સમસ્યા છે, તેમણે શિયાળામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને વધુ પડતું મીઠું (નમક) ખાવાનું ટાળવું જોઈએ. તળેલી અને ભારે વસ્તુઓ ખાવાનું ઓછું કરી દેવું જોઈએ, કારણ કે તેને પચાવવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે. શિયાળામાં લોકો વધુ કેલરીવાળો ખોરાક લે છે, પરંતુ મેટાબોલિઝમ ધીમું હોવાથી વજન અને કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. વજન અને કોલેસ્ટ્રોલનું વધતું પ્રમાણ પણ હાર્ટ એટેકને આમંત્રણ આપી શકે છે.

ઠંડીથી બચવા માટે પૂરતા ગરમ કપડાં પહેરો અને વહેલી સવારે કે મોડી રાત્રે જો વધારે ઠંડી હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળો. હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ ઉપરાંત છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા વધારે પરસેવો વળવો જેવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.