Mon Dec 08 2025

Logo

White Logo

એક દાયકામાં દુનિયાના : નાઇટ ક્લબના અગ્નિકાંડમાં કેટલા નિર્દોષ હોમાયા?

11 hours ago
Author: Tejas
Video

ઉત્તર ગોવાના અરપોરા ખાતે આવેલા 'બર્ચ બાય રોમિયો લેન' નાઇટ ક્લબમાં શનિવાર મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં લગભગ 25 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 ક્લબના કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય સાત લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. આ મામલે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

ગોવાની આ કરુણ ઘટનાએ આ વર્ષે માર્ચમાં ઉત્તરી મેસેડોનિયાના એક નાઇટ ક્લબમાં લાગેલી ભયાવહ આગની યાદ તાજી કરાવી દીધી, જેમાં 62 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નાઇટ ક્લબમાં થયેલી આ ઘટનાઓ વિશ્વભરમાં ફાયર સેફ્ટીના નિયમો અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.

ગોવાની આ ઘટનાએ છેલ્લા એક દાયકામાં વિશ્વભરમાં નાઇટ ક્લબ અને મનોરંજન સ્થળો પર બનેલી અન્ય મોટી આગની ઘટનાઓની યાદ અપાવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી ઘટનાઓ અવારનવાર ફાયર સેફ્ટીના નિયમોની અવગણના અને ઓછી સુરક્ષા વ્યવસ્થાને કારણે થાય છે.

ક્લબ કે મનોરંજનના સ્થળો પર અગ્નિકાંડ 

. માર્ચ 2025 (ઉત્તરી મેસેડોનિયા): એક નાઇટ ક્લબમાં આતશબાજીની ચિનગારી છત સાથે અથડાતા લાગેલી આગમાં 62 લોકોનાં મોત થયા હતા.

. મે 2024 (ગુજરાત, રાજકોટ): રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલી ભયાનક અગ્નિકાંડ ઘટનાએ સમગ્ર શહેર અને દેશને હચમચાવી દીધું હતું. આ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

. એપ્રિલ 2024 (ઇસ્તંબુલ, તુર્કી): માસ્કરેડ નાઇટ ક્લબમાં રીનોવેશન કામ ચાલી રહ્યું હતું ત્યારે લાગેલી આગમાં 29 લોકોનાં મોત થયા હતા.

. ઓક્ટોબર 2023 (મર્સિયા, સ્પેન): નાઇટ ક્લબ સંકુલમાં સંભવતઃ વીજળીની ખામીને કારણે લાગેલી આગમાં 13 લોકોનાં મોત થયા હતા.

. ઓગસ્ટ 2022 (બેંગકોક, થાઇલેન્ડ): 'માઉન્ટેન બી' નાઇટ ક્લબમાં શોર્ટ સર્કિટ કે ઇલેક્ટ્રિક સિસ્ટમની સમસ્યાને કારણે આગ લાગતા 23 લોકોના જીવ ગયા હતા.

. ઓક્ટોબર 2015 (બુખારેસ્ટ, રોમાનિયા): 'કોલેક્ટિવ નાઇટ ક્લબ'માં આતશબાજીના કારણે જ્વલનશીલ ફોમમાં આગ લાગતા 64 લોકોનાં મોત થયા હતા. 

. આ યાદીમાં અન્ય ઘણી ઘટનાઓ પણ સામેલ છે, જેમ કે જાન્યુઆરી 2022માં કેમરૂનના યાઓન્ડેમાં ફટાકડાના કારણે 16 મૃત્યુ અને ઇન્ડોનેશિયાના સોરોન્ગ નાઇટ ક્લબમાં ઝઘડાના કારણે ક્લબને સળગાવતા 19 જણનાં મોત થયા હતા. 

આ આંકડાઓ દર્શાવે છે કે નાઇટ ક્લબમાં વધતી ભીડભાડ, જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ અને સુરક્ષામાંથી બહાર નીકળવાના ઓછા રસ્તાઓ કેવી રીતે નાની ઘટનાને પણ ભયાનક દુર્ઘટનામાં ફેરવી શકે છે. ગોવાની ઘટનાએ ભારત સહિત વિશ્વભરમાં જાહેર મનોરંજન સ્થળોની ફાયર સેફ્ટીની કડક પાલન કરવાનું જરૂરિયાત છે.