અમદાવાદ/નવી દિલ્હી: રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારો પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઈ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ધુમ્મસથી લોકો પરેશાન છે. હવામાન વિભાગે નવા વર્ષ પર કાશ્મીરમાં બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. સૌથી ઓછુ નલિયામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ પર 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ડીસામાં 13.6, વડોદરામાં 13.6 ડિગ્રી, ભુજમાં 14.1, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.2, અમદાવાદમાં 15.6 ડિગ્રી, સુરતમાં 16.6, રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન, કંડલા પોર્ટમાં 15.2, વલ્લભ વિદ્યાનગરમાં 15.6 ડિગ્રી, સુરતમાં 16.6, દમણમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
કેન્દ્રીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આજે ઠંડીનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે, જેની અસર મહારાષ્ટ્ર પર પણ જોવા મળશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. વર્ષના અંતમાં રાજ્યભરના નાગરિકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. નવા વર્ષમાં પણ ઉત્તર તરફથી ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાને કારણે ઉત્તર મહારાષ્ટ્ર અને મુંબઈ સહિતના નજીકના વિસ્તારોમાં તાપમાન ઘટવાનું અનુમાન છે.
દિલ્હીમાં કેવું રહેશે હવામાન
28 ડિસેમ્બર સુધી દિલ્હી-NCRમાં મધ્યમ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. મહત્તમ તાપમાન 21 થી 22 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6 થી 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાં હાલ કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તી રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર મુસાફરી કરતા લોકો અત્યંત સાવધાની રાખી રહ્યા છે. હવામાન વિભાગે અગાઉ જ સવારના સમયે ગાઢ ધુમ્મસની શક્યતા વ્યક્ત કરી હતી. રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું અનુમાન છે.
કાશ્મીરમાં કાતિલ ઠંડી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ હવામાન સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન ભારે ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે, જોકે વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય સુધારો થઈ શકે છે. સોનમર્ગ અને ગુલમર્ગ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં કાતિલ ઠંડી યથાવત રહેશે, પરંતુ 29 ડિસેમ્બરથી હળવી હિમવર્ષાના સંકેતો છે.