Thu Dec 11 2025

Logo

White Logo

કવિતા ને કારખાનાં… : જુડવે જુડવે નૈનાં!

19 hours ago
Author: Sanjay Chhel
Video

શરદ જોશી સ્પીકિંગ (સંજય છેલ)

આપણા દેશમાં કોઈ પણ લેખક, કવિ, વિચારક, વિદ્વાનને ‘ગરીબ’ કહેવા અથવા ‘ગરીબ’ સમજવાની એક જાતની વણલખી ફેસિલિટી કે સાર્વજનિક સુવિધા છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મી અને મા સરસ્વતી બન્નેમાં વૈર છે એટલા માટે મા સરસ્વતીના પુત્રો પર મા લક્ષ્મી કૃપા નથી કરતી.

મોટાભાગના લેખકો, કવિઓ, સમાજના બીજા બધા પૈસાવાળાઓની સરખામણીમાં કડકા, વંચિત અને સુખ સાહ્યબી વિનાના હોય છે. શું છે કે મા સરસ્વતીના આ છોકરાઓ, મા લક્ષ્મી સાથે એડજેસ્ટ નથી કરી શકતા, પૈસાની બાબતમાં એ લોકો હંમેશાં દુ:ખી જ રહે છે, પરંતુ એનાથી વિરુદ્ધ, આ દેશમાં હજુ સુધી એવી સુવિધા નથી કે તમે મા લક્ષ્મીના પુત્રોને અર્થાત્ પૈસાવાળાઓને ‘મૂર્ખ’ કહી શકો! આપણે ત્યાં લેખકને બિંદાસ ‘ગરીબ’ કહેવાનો કે સમજવાનો રિવાજ છે, પણ શેઠિયાઓને ‘મૂર્ખ’ કહેવાનો કે સમજવાનો રિવાજ નથી.

વેપાર-ધંધો કરવાવાળા હંમેશાં બહુ હોંશિયાર ને પ્રેક્ટિકલ જ ગણાય છે એટલે કે મા લક્ષ્મી, મા સરસ્વતીના છોકરાઓ પર ભલે કૃપા ન કરે, પરંતુ મા સરસ્વતી, મા લક્ષ્મીના છોકરાઓ પર કૃપા કરે છે અથવા કહી શકાય બન્નેમાં બરાબર સંતુલન રાખે છે. જેમ જરૂરિયાત પૂરતા પૈસા લેખકો, કવિઓની પાસે હોય છે, તેમ સ્વાર્થ પૂરતી બુદ્ધિ શેઠિયાઓ પાસે પણ હોય છે. એનો અર્થ એવો કે મા લક્ષ્મી, મા સરસ્વતી ભલે અંદર-અંદર એકબીજા સાથે ઝઘડતા હોય, પરંતુ સાથે-સાથે એકબીજાના સંતાનોનું ધ્યાન પણ રાખે તો છે, હોં!

આઝાદી પછી લેખકો, કવિઓએ પુસ્તકો લખ્યાં, સંપાદન કર્યું અને બીજી બાજુ લક્ષ્મીજીના સંતાનોએ ધંધો શરૂ કર્યો, કારખાનાઓ ઊભાં કર્યાં. જ્યારે લેખકો, કવિઓની અંદરની સાચી અનૂભૂતિ કે લાગણી ઓછી હતી એટલે એમનાં પુસ્તકો મોંઘાં તો થયા, પણ જોઈએ એટલા વેચાયા નહીં.

એમને ખ્યાતિ મળી, પરંતુ પ્રકાશકે એનું પૂરે-પૂરું શોષણ પણ કર્યું જ! એક સમય એવો આવ્યો કે લેખકો, કવિઓ સત્તાના ખોળામાં જઈને બેસી ગયા અને સરકારી લાઈબ્રેરીમાં પોતાનું પુસ્તક મૂકવા સરકારી અકાદમીના ઇનામો, યુનિવર્સિટીમાં ફેલોશીપ, ગવર્મેન્ટની સ્પે. ગ્રાંટ વગેરે લેવાનાં આઇડિયા રચવા માંડે છે. ત્યાં સુધી કે નવું લખવા માટે પણ એમને સરકારી મદદની જરૂર પડવા લાગી.

બરાબર એ જ વખતે ઓછી બુદ્ધિને લીધે મા લક્ષ્મીના પુત્રોના કારખાનાઓ ફેલ થવા લાગ્યા, મિલો બંધ પડવા માંડી મતલબ કે કવિતા સંપાદનના જેવી જ દયનીય હાલત, હવે કારખાનાઓની પણ થવા માંડી એટલે હવે લેખકો, કવિઓની ગરીબીની વાત સ્વીકાર કરતી વખતે મને શેઠ લોકોને મૂર્ખ કહેવાની પણ મંજૂરી આપો! હિન્દીમાં કે ભારતીય સાહિત્યમાં એવા લેખકોની કમી નથી, જેમણે લખવાનું તો શરૂ કર્યું, પરંતુ લેખક ન બની શક્યા.

આઝાદી પછી અહીં કવિ, લેખક બનવાનો ચસ્કો લાગ્યો અને બીજી તરફ એ શેઠિયાઓ જે પેઢીઓથી વ્યાજ પર વ્યાજ ચઢાવી અને મકાનો બનાવીને ભાડેથી આપી એનાં ભાડાં ખાઈને એક આળસુ જીવન જીવતા હતા, એમને પોતાની જાતને ‘ઉદ્યોગપતિ’ કહેવડાવવાનો શોખ ઊભો થયો. એટલે જેને જે મશીન, જે સ્કીમ મળી એનાથી એ લોકોએ ધંધો શરૂ કર્યો અને બની બેઠા ઉદ્યોગપતિ! પણ થયું એવું ને કે એમનો મૂળ સ્વભાવ તો એ જ રહ્યો: ગાદી પર બેઠાં-બેઠાં મલાઇ કમાવવાનો.

એમનું માનવું હતું કે- અમે તો પૈસા આપ્યા, હવે કારખાનાની ફરજ છે કે અમને કમાઈને આપે! એમનામાં મેનેજ કરવાની ના તો ક્ષમતા છે અને ના તો ઈચ્છા, અને ઉપરથી દેશમાં રિવાજ એવો કે લેખકને ‘ગરીબ’ કહી શકો, પણ શેઠિયાને નહીં! શેઠિયાઓ ‘સ્માર્ટ’ બનીને, સફારી સૂટ પહેરીને, લાયન્સ કે રોટરી કલ્બમાં ડિનર કરી રહ્યા છે, મંત્રીઓની સામે હાથ જોડીને હોંશિયાર, અનુભવી દેખાવાની મુદ્રામાં ઊભા છે અને બીજી તરફ કારખાના દિવસે-દિવસે ડૂબી રહ્યાં છે.

આ તો એવી વાત થઈ, ધંધો કર્યો, નફો ન મળ્યો! ધંધો શરૂ કર્યો, ચલાવતા ન આવડ્યું! જે કંગાળ સ્થિતિ કવિતા સંપાદનોની થઈ, એવી જ બીમાર મિલોની થઈ. બીમાર પડેલી મિલો સરકારના પગે પડીને કહે છે, અમને બચાવો! એક કવિતા સંપાદનના ફ્લોપ થવાથી દેશનું એટલું નુકસાન નહીં થાય, પણ જેટલું એક કારખાનું નિષ્ફળ જવાથી થાય છે! પણ શું કરીએ?

મા લક્ષ્મીના પુત્રોને ‘મૂર્ખ’ કહેવાની સગવડ જ નથી, આ દેશમાં!