અમદાવાદઃ રખડતા શ્વાનોના ત્રાસને કાબુમાં લેવા માટે શહેરવ્યાપી ઝુંબેશમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિદ્યાર્થીઓ, દર્દીઓ અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં લઈ કરવા માટે મ્યુનિસિપલ હદમાં 854 સંવેદનશીલ સ્થળ ઓળખી કાઢ્યા છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને મુખ્ય જાહેર સ્થળોનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યાદીમાં 748 સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો, 87 સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને મેડિકલ કોલેજો, 10 રમતગમત સંકુલ, તેમજ નવ બસ સ્ટેન્ડ, ડેપો અને રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા અને રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, આ દરેક સ્થળો માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
નોડલ અધિકારીઓને રખડતા શ્વાનોના પ્રવેશને રોકવા માટે બાઉન્ડ્રી વૉલ્સ, ફેન્સીંગ અને ગેટવાળા પ્રવેશ બિંદુઓ સ્થાપિત કરીને કેમ્પસ સુરક્ષાને મજબૂત બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવાનો છે.
વધુમાં, મનપાએ 76 આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસીઓ અને ઇમ્યુનોગ્લોબ્યુલિનનો પૂરતો જથ્થો છે તેની ખાતરી કરશે. આ સુવિધાઓ શ્વાન કરડવાના કિસ્સામાં સમયસર સારવાર આપવામાં મદદ કરશે અને હડકવાના જોખમને ઘટાડવામાં મદદ કરશે.
આ પ્રમાણે રખડતા શ્વાનો માટે ત્રણ સ્પેશિયલ શેલ્ટર હોમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. કોર્પોરેશને કાર્યક્રમના પ્રથમ તબક્કામાં 126 ડૉગ્સ ફિડિંગ ઝોન પણ વિકસાવ્યા છે જેથી શ્વાનોને જમવાનું આપવા ઈચ્છતા લોકો માટે પણ સુવિધા રહે અને તેના પર નિયંત્રણ રહે.
મનપાએ ચેતવણી આપી હતી કે જાહેર સલામતીના મામલામાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં. સુપરવાઇઝર અને નોડલ અધિકારીઓ દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવશે.