Mon Dec 22 2025

Logo

White Logo

સુરતીઓ સુધરી જજોઃ પોલીસે કરી લાલ આંખ, : એક જ દિવસમાં ટ્રાફિક ભંગના 3,100થી વધુ કેસ નોંધ્યા

5 days ago
Author: Mayur Patel
Video

સુરતઃ હાઈ કોર્ટની લાલ આંખ બાદ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એક જ દિવસમાં 3000થી વધુ કેસ નોંધ્યા હતા. પોલીસે રોંગ સાઈડ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ અને અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 16 ડિસેમ્બરના કુલ 3,123 કેસ નોંધ્યા હતા.

સુરત શહેરમાં અકસ્માતની વધતી સંખ્યાને લઈ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં 28 નવેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2025 સુધીના ટૂંકા ગાળામાં ટ્રાફિક પોલીસે કુલ 51,068 કેસ નોંધી નિયમભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરી હતી. દરરોજ સરેરાશ 2687 લોકોને ચલણ અપાયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ડ્રાઈવને સફળ બનાવવા માટે જે વિસ્તારોમાં રોંગ સાઈડ વાહન ચલાવવાનું પ્રમાણ વધુ છે અને જ્યાં અકસ્માત થવાની સંભાવના વધુ છે, તેવા વિસ્તારોને ઓળખી કાઢી ત્યાં ખાસ વોચ રાખવામાં આવી હતી. માત્ર સ્થળ પર દંડ જ નહીં, પરંતુ ઇ-ચલણના માધ્યમથી પણ નિયમ તોડનારા વાહનચાલકો સુધી પોલીસ પહોંચી હતી. આ ઝુંબેશ અહીં અટકશે નહીં. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન-ચાલકો વિરૂદ્ધ આ પ્રકારે જ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

23 મહિનામાં 2332 ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ

જાન્યુઆરી 2024 થી નવેમ્બર 2025 વચ્ચેના 23 મહિનામાં અમદાવાદમાં 2334 ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરટીઓ દ્વારા શહેર ટ્રાફિક પોલીસના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત ત્રણ થી છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, જે ડ્રાઇવરોનું લાઇસન્સ પહેલેથી જ સસ્પેન્ડ થઈ ગયું છે અને તેઓ ફરીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેમને આજીવન સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે.