Mon Dec 08 2025

Logo

White Logo

લો ગાર્ડન ફૂડ માર્કેટના વિક્રેતાઓની 5 વર્ષની લડતનો અંત, 'હેપ્પી સ્ટ્રીટ' વિવાદ બાદ મૂળ સ્થળે પરત ફર્યા : હાઈ કોર્ટના આદેશ બાદ લો ગાર્ડનના 45 વિક્રેતાઓની ઘર વાપસી

3 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ શહેરનું માણેક ચોક અને લો ગાર્ડન ફૂડ માર્કેટ માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. 2019માં લો ગાર્ડનના ખાણી પીણી વિસ્તારને હેપ્પી સ્ટ્રીટમાં બદલી નાંખવામાં આવ્યો હતો. જે બાદ આ મુદ્દો હાઈ કોર્ટમાં પહોંચ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામેની પાંચ વર્ષની લાંબી લડાઈ બાદ 45 વર્ષથી ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્થળે પરત ફર્યા છે.

શું છે મામલો

2019માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લો ગાર્ડનના ફૂડ ઝોનને હેપ્પી સ્ટ્રીટમાં બદલી નાંખ્યો હતો અને ઊંચા માસિક ભાડે જગ્યાઓ ઓફર કરી હતી. અમુક જ વિક્રેતાઓને આ ભાડું પોસાય તેમ હતું. અહીં વર્ષોથી ધંધો કરતા લોકો ઊંચું ભાડું ચૂકવવા અસમર્થ હતા. જેના કારણે તેમણે
પોતાની આજીવિકા બચાવવા ગુજરાત હાઈ કોર્ટનો સંપર્ક કર્યો  હતા. જેમાં  સ્ટ્રીટ વેન્ડર્સ (આજીવિકાનું રક્ષણ અને સ્ટ્રીટ વેન્ડિંગનું નિયમન) અધિનિયમ, 2014 ની જોગવાઈઓ ટાંકવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન આજીવિકા બંધ થઈ જતા અનેક વિક્રેતાઓની હાલત કફોડી બની હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂઆતમાં તેમને ઠાકોરભાઈ દેસાઈ હોલથી એમ.જી. લાઇબ્રેરી તરફ જતા બ્રિજ નીચેની જગ્યાએ ખસેડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ વિક્રેતાઓનું પ્રતિનિધિત્વ કરનાર વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે આ સ્થળ ગ્રાહકો માટે અનુકૂળ નથી.  તેમણે તેમના વ્યસ્ત મૂળ સ્થળે પાછા ફરવાની પરવાનગી આપવાનો આગ્રહ રાખ્યો હતો.

હાઈ કોર્ટે આ બાબતનો નિકાલ કર્યા પછી, નાગરિક સંસ્થાએ નમતું જોખ્યું, અને સુધારેલા ભાડા માળખા હેઠળ લો ગાર્ડન ખાતે જ જગ્યા પુનઃ ફાળવવા માટે સંમત થઈ હતી. વકીલે કહ્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંમત થયું અને વિવિધ પ્રકારના ભાડા સાથે જગ્યા ફાળવી હતી. 
તમામ 45 વિક્રેતાઓ હવે ફરીથી  તેમના સ્થળે પરત ફર્યા છે.

લો ગાર્ડનની પ્રખ્યાત વાનગીઓ 
પાવ ભાજી
પુલાવ
ચણા પુરી
સેન્ડવીચ
ભાખરી પિઝા
દેશી ચાઇનીઝ
ચાટ અને પાણીપુરી

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં લગભગ પાંચ દાયકાથી લો ગાર્ડન ખાઉ ગલી સમગ્ર શહેરના ફૂડ લવર્સને આકર્ષી રહી છે.