Mon Dec 22 2025

Logo

White Logo

જેહાદી હાદી માટે વિલાપ પણ દીપુની હત્યા પર મૌન કેમ? : તસલીમા નસરીને યુનુસ સરકારને આડે હાથ લીધી

1 day ago
Author: mumbai samachar teem
Video

નવી દિલ્હી: પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ફાટી નીકળેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કંપારી છૂટી જાય તેવો વીડિયો વાયરલ થયો છે, જે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ વીડિયોમાં દીપુ ચંદ્રદાસ નામના એક વ્યક્તિની ઉશ્કેરાયેલા ટોળાએ ક્રૂર હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ત્યાં અરાજકતાનું વાતાવરણ કેટલું ભયાનક બન્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં મૃતક દીપુ ચંદ્રદાસ વાદળી રંગના કપડામાં એક ગણવેશધારી વ્યક્તિ સાથે વાત કરતો અને પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ ઘટના ઢાકાના મયમનસિંઘ વિસ્તારની છે. રિપોર્ટ્સ અનુસાર ભારત વિરોધી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક પ્રદર્શનો દરમિયાન ઉગ્ર ટોળાએ દીપુને પકડી લીધો હતો, તેને ક્રૂરતાથી માર્યો હતો અને ત્યારબાદ ઝાડ સાથે બાંધીને જીવતો સળગાવી દીધો હતો.

બાંગ્લાદેશની નિર્વાસિત લેખિકા તસલીમા નસરીને આ મામલે મૌન તોડતા મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે આખું દેશ એક જેહાદી નેતા માટે આંસુ વહાવી રહ્યો છે, પરંતુ કોઈને પેલા ગરીબ અને માસૂમ હિંદુ છોકરાની વેદના દેખાતી નથી. તસલીમાએ આરોપ લગાવ્યો કે દીપુના પરિવારની ચીસો સત્તાધીશોના કાન સુધી પહોંચતી નથી, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

તસલીમા નસરીને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે હિંદુઓની હત્યાના સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં વહેવા લાગ્યા ત્યારે દબાણમાં આવીને યુનુસ સરકારે પોલીસને ધરપકડના આદેશ આપ્યા. તેણે આ કાર્યવાહીને માત્ર એક 'દેખાવો' ગણાવ્યો છે. પોલીસ દ્વારા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ લેખિકાનું માનવું છે કે ભૂતકાળની જેમ આ ગુનેગારોને પણ નિર્દોષ ગણાવીને ચૂપચાપ છોડી દેવામાં આવશે. તેણે સવાલ કર્યો કે, શું ક્યારેય આ દેશમાં કોઈ હિંદુની હત્યા બદલ કોઈને સખત સજા થઈ છે?

લેખિકાએ સરકારની બેધારી નીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે મિસ્ટર યુનુસ જેહાદીના જનાજામાં જઈને રડી શકે છે, પરંતુ દીપુ જેવા હિંદુ યુવકની ક્રૂર હત્યા અંગે મોંઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં વસતા હિંદુ પરિવારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ન્યાયની આશા ઓછી હોવા છતાં સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા વિશ્વભરમાંથી આ હિંસાની નિંદા થઈ રહી છે.