ગૌરવ મશરૂવાળા
અનાદર વ્યક્ત કરવો અને વપરાશ કરવો- આ બેમાંથી કઈ ક્રિયા આપણને માનસિક શાંતિ અને આંતરિક સુખનો અનુભવ કરાવશે? શાનાથી શાતાની અનુભૂતિ થઈ શકે- કશાયના વપરાશથી કે આદરની લાગણીથી?
કેવળ આપણી મૂળભૂત જરૂરિયાતો ખરીદવા માટે જ નહીં, પરંતુ સપનાં પૂરા કરવા માટે પણ પૈસા વાપરવા પડે છે. ઘરમાં ભગવાનની મૂર્તિ પાસે ચલણી નોટોની થપ્પી, ચેકબુક અને ડેબિટ કાર્ડસ રાખી મૂકવાથી કામ નહીં ચાલે. રોજિંદો વ્યવહાર નિપટાવવા આપણે પૈસા વાપરવા જ પડશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે પૈસા સાથે સન્માનપૂર્વક વર્તો.
જેના માટે તમારા દિલમાં આદરભાવ છે એવી વ્યક્તિઓને યાદ કરો. એ કોઈ પણ હોઈ શકે-તમારા શિક્ષક, માતા-પિતા, જીવનમાં ખૂબ આગળ વધેલી હસ્તી, તમારે ત્યાં વર્ષોથી ઘરકામ કરી રહેલા વૃદ્ધ વડીલ, તમારી કંપની કે સંસ્થામાં લાંબા સમયથી સેવા આપી રહેલા વયસ્ક કર્મચારી, વગેરે. આપણે તેમની સાથે ગરિમા જાળવીને વર્તીએ છીએ. એમને જોઈએ છીએ ત્યારે આપણા શરીરની મુદ્રા બદલાઈ જાય છે, ક્યારેક આપણે ઝૂકીને એમને નમન કરીએ છીએ, એમની સામે અદબપૂર્વક ઊભા રહીએ છીએ. એમને મળવા જતી વખતે વ્યવસ્થિત કપડાં પહેરીએ છીએ. એ વ્યક્તિ માટે આપણાં મન-હૃદયમાં જે લાગણીઓ છે એનું પ્રતિબિંબ આ બાહ્ય ચેષ્ટાઓમાં પડે છે.
વાત માત્ર માણસો પૂરતી સીમિત નથી, આપણે એન્જિનિયરિંગનું અદ્ભુત સર્જન જોઈએ છીએ કે ખૂબસૂરત કળાકૃતિ નિહાળીએ છીએ ત્યારે આપણા મનમાં જે લાગણીઓ જાગે છે તે કંઈક આવી જ હોય છે. હવે એ વિચારો કે કોઈ ભીડભાડભર્યા દિવસે આપણે મોલમાં ખરીદી કરવા જઈએ ત્યારે આપણી માનસિક અવસ્થા કેવી હોય છે? ત્યાં આપણે પૈસા વાપરીએ છીએ. જેના માટે આપણા દિલમાં પ્રેમ અને આદર હોય છે એને અવારનવાર મળતા રહેવાની આપણને ઈચ્છા થયા કરે છે. તે એટલા માટે તેમની સાથે હોઈએ છીએ ત્યારે આપણાં મનમાં જે ભાવજગત રચાય છે તે આપણને ગમતું હોય છે.
આપણી સંપત્તિને પણ આપણે આવી જ લાગણી, આવું જ સન્માન આપવું જોઈએ. આ સંપત્તિને લીધે જ આપણું અને આપણા પરિવારનું પેટ ભરાય છે, આપણાં માથાં પર છત બની રહે છે, સંતાનોને સારું ભણતર આપી શકીએ છીએ, વગેરે. આપણાં કેટલાંય સપનાં આ સંપત્તિને કારણે સાકાર થયાં છે. સંપત્તિને લીધે આપણને સારી રીતે જીવન જીવવામાં ખૂબ મદદ મળે છે. ખુદની સંપત્તિ પ્રત્યે ધન્યતા અનુભવો, કૃતાર્થની અનુભૂતિ કરો. નાનીનાની ચેષ્ટાઓ કરો, જેમ કે કોઈને પૈસા આપતી વખતે બન્ને હાથનો ઉપયોગ કરવો.
વોલેટ, કબાટ, ડ્રોઅર વગેરેમાં પૈસાને વ્યવસ્થિત રીતે રાખવા. જ્યારે પણ કોઈને પૈસા આપો ત્યારે એના કલ્યાણ માટે મનોમન પ્રભુને પ્રાર્થના કરો. આપણી જાત માટે પણ આમ કરવું જોઈએ. સંપત્તિ આપણી ભીતર કેવા ભાવ જગાડે છે તેનું નિરીક્ષણ કરો. આપણે ખરીદી કરીએ છીએ ત્યારે પૈસાને આપણાથી વિખૂટા પાડવા પડે છે. ધન-સંપત્તિ આમેય કાયમ માટે આપણી સાથે રહેવાની નથી. તો શા માટે તેને અલગ કરવાની ક્રિયા એવી રીતે ન કરીએ જેનાથી મનને સારું લાગે? આ નાની પણ સારી આદત છે.