Thu Dec 25 2025

Logo

White Logo

મુંબઈમાં ઠાકરે બંધુઓનો માસ્ટરસ્ટ્રોક, : હવે કાયમ સાથે રહીશું અને મેયર તો મરાઠી જ હશે...

15 hours ago
Author: MayurKumar Patel
Video

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી શકે છે. બે દાયકા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બીએમસી ચૂંટણી માટે સાથે આવ્યા હતા. આજે બંને ભાઈઓએ તેમના ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી હતી. બંને નેતાઓએ મુંબઈની એક હોટલમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ગઠબંધનની જાહેરાત કરી હતી. 

ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ હતી, જે 30 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. મુંબઈ સહિત 29 મહાનગર પાલિકા માટે 15 જાન્યુઆરીએ વોટિંગ થશે અને 16 જાન્યુઆરીના રોજ મત ગણતરી થશે.

મુંબઈનો મેયર મરાઠી જ હશે: રાજ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધનની જાહેરાત કરતા કહ્યું કે, અમારી વિચારશ્રેણી એક છે. અમને મરાઠીઓના સંઘર્ષ, તેમના બલિદાન યાદ છે. અમે બંને ભાઈઓ આજે એક સાથે રહેવા આવ્યા છીએ. દિલ્હીમાં બેઠેલા લોકો અમનો તોડી રહ્યા છે. આ વખતે અમે નહીં તૂટીએ. આવું થયું તો બલિદાનનું અપમાન હશે. રાજ ઠાકરેએ કહ્યું, સીટની ફાળવણી અમારા માટે ગૌણ છે. મુંબઈનો મેયર મરાઠી જ હશે.

રાજ-ઉદ્ધવના ગઠબંધન પર મંત્રી સંજય શિરસાટે શું કહ્યું?

મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાટે ૨૦૨૬ની મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે શિવસેના-UBT અને MNS વચ્ચેના ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જો આ લોકો ચાલી શકતા હોત તો તાજેતરમાં યોજાયેલી નગર પંચાયતની ચૂંટણીમાં તેમને આટલી કારમી હાર કેમ મળી હોત? આજનું આ ગઠબંધન તેમની મજબૂરી છે કારણ કે કોંગ્રેસ પણ શિવસેના UBT ની સાથે નથી, શરદ પવાર તેમની સાથે નથી, એટલે તેમને કોઈને કોઈનો સાથ તો જોઈએ જ. જે રીતે ડૂબતાને તણખલાનો સહારો હોય છે, તે જ રીતે તેઓ રાજ ઠાકરેનો સહારો લેવા માંગે છે. જોકે, મને નથી લાગતું કે આનાથી તેમને કોઈ ખાસ ફાયદો થશે.