થાણે: વાશી સ્ટેશન નજીક ટ્રેનમાં 24 વર્ષના યુવક પર ચાકુના અનેક ઘા ઝીંકવામાં આવ્યા બાદ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.
મંગળવારે સવારે આઠ વાગ્યાની આસપાસ ટ્રેન રેલવે સ્ટેશનમાં પ્રવેશી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રેન સ્ટેશન પર થોભ્યા બાદ આરોપી રાજેશ રાજનગમ અરુંદુતિયર ફરાર થઇ ગયો હતો, એમ જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ ઉંદ્રેએ જણાવ્યું હતું.
હુમલામાં ઘવાયેલા યુવકની ઓળખ સિરાજ અબ્દુલ્લા શેખ (24) તરીકે થઇ હોઇ તે માનખુર્દના ચિતા કેમ્પનો રહેવાસી છે.
સિરાજ અને આરોપી રાજેશ એકબીજાને ઓળખતા હોઇ મંગળવારે સવારે પનવેલ-સીએસએમટી ટ્રેનમાં પ્રવાસ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો.
ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા રાજેશે સિરાજ પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં તેના ગળા, પીઠ અને છાતીમાં ગંભીર ઇજા થઇ હતી. ટ્રેન વાશી સ્ટેશન પર થોભતાં જ આરોપી રાજેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ટ્રેન સ્ટેશન પરથી ઊપડતાં સિરાજ ઊતરી શક્યો નહોતો.
દરમિયાન ટ્રેન સાનપાડા સ્ટેશને પહોંચી ત્યારે અમુક પ્રવાસીઓ ઘાયલ સિરાજને સ્ટેશન માસ્તરની કેબિનમાં લઇ ગયા હતા, એમ કિરણ ઉંદ્રેએ કહ્યું હતું.
વાશીમાં પાલિકાની હોસ્પિટલમાં સિરાજને દાખલ કરવામાં આવ્યો હોઇ તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ પ્રકરણે રાજેશ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યા બાદ તેની શોધ ચલાવાઇ હતી, એમ ઉંદ્રેએ જણાવ્યું હતું. (પીટીઆઇ)