ભાજપના બટેંગે તો કટેંગેનો સૂત્રોચ્ચાર: મરાઠી મેયર બનશે એવો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: 18 વર્ષ પછી, ઠાકરે ભાઈઓ ભેગા થયા છે. અમે સાથે આવ્યા છીએ એમ કહીને, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અધ્યાય લખવાનું શરૂ કર્યું છે. બંને ઠાકરે ભાઈઓ આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે સાથે આવ્યા છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન, ભાજપના પ્રચારનું ધ્રુવ-વાક્ય હતું કે બટેંગે તો કટેંગે, હવે ઠાકરે બંધુઓ દ્વારા આ જ વાક્યનો ઉપયોગ આગામી મુંબઈ મનપાની ચૂંટણીમાં મરાઠી ભાષીઓને એક કરવા માટે કરવામાં આવશે. તેઓ મરાઠી ભાષીઓને કહી રહ્યા છે કે જો તમે હવે ભૂલ કરશો, તો તમે બરબાદ થઈ જશો… જો તમે હવે વહેંચાઈ જશો, તો તમે સમાપ્ત થઈ જશો, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું અને ઠાકરેના ગઠબંધનનો પહેલો માસ્ટરસ્ટ્રોક કર્યો. બીજો માસ્ટરસ્ટ્રોક મારતાં રાજ ઠાકરેએ એક મોટી જાહેરાત કરી કે મુંબઈમાં એક મરાઠી મેયર બનશે.
ઘણા દિવસોથી રાહ જોવાતી ગઠબંધનની જાહેરાત કરીને રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજકારણને નવી દિશા આપી છે. રાજ ઠાકરેએ કહ્યું છે કે મુંબઈનો મેયર આપણો હશે અને તે મરાઠી હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અલ્લાહુ અકબર કહેતા જોવા મળી રહ્યા છે. રાજ ઠાકરેએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે આવા ઘણા વીડિયો છે.
રાજ ઠાકરેએ 2 મિનિટમાં બોલવાનું પૂરું કર્યું
રાજ ઠાકરેએ માત્ર બે મિનિટમાં પોતાનું ભાષણ પૂરું કર્યું હતું. તેમણે ગઠબંધનની પણ સત્તાવાર જાહેરાત કરી. જોકે, આ વાતચીત દરમિયાન તેમણે એક વાત છુપાવી. તેમણે કહ્યું હતું કે તેઓ આજે સીટ વહેંચણી પર કંઈ નહીં કહે. રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે અમે જે કહેવા માંગીએ છીએ તે જાહેર સભાઓમાં પછીથી કહીશું.
રાજ ઠાકરેએ શું વાત છુપાવી?
‘હવે કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે? સંખ્યા કેટલી છે? હું કહીશ નહીં. તમે જાણો છો, હાલમાં મહારાષ્ટ્રમાં બાળકોના અપહરણ કરનારાઓની ગેંગ છે. તેમાં વધુ બે ગેંગ ઉમેરવામાં આવી છે. તેઓ રાજકીય પક્ષોના બાળકો (ઉમેદવારો)નું અપહરણ કરે છે. ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોને બંને પક્ષો દ્વારા નામાંકન આપવામાં આવશે. તેમને ક્યારે અને ક્યાં નામાંકન દાખલ કરવું તે જણાવવામાં આવશે. એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.