Mon Dec 08 2025

Logo

White Logo

અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ: : 44 સાંસદે લખ્યો પત્ર

Washington   3 days ago
Author: Mumbai Samachar team
Video

વોશિંગ્ટનઃ અમેરિકાના 44 સાંસદોએ વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનીર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘન માટે તાત્કાલિક પ્રતિબંધો લગાવવાની માંગ કરી હતી. આ પત્ર ડેમોક્રેટના મહિલા સાંસદ પ્રમિલા જયપાલ અને સાંસદ ગ્રેગ કાસરના નેતૃત્વમાં લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં સરમુખત્યારશાહી વધી રહી છે. પત્રકારોને ધમકી આપવામાં આવી રહી છે, અપહરણ કરવામાં આવી રહ્યું છે અથવા દેશ છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

આ સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનમાં સેના સરકાર ચલાવી રહી છે. દેશમાં સામાન્ય લોકોના અધિકારોનું મોટા પાયે હનન થઈ રહ્યું છે. વિદેશમાં રહેતા પાકિસ્તાની-અમેરિકન નાગરિકોને પણ સરકાર વિરુદ્ધ બોલવા બદલ ધમકી આપવામાં આવી રહી છે.

આ પત્રમાં મુનીરના નેતૃત્વમાં લશ્કરી ભ્રષ્ટાચાર પર રિપોર્ટિંગ કર્યા પછી અમેરિકામાં રહેનારા પત્રકાર અહેમદ નૂરાનીના ભાઈઓનું અપહરણ કરી ટોર્ચર કરવામાં આવ્યા હતા અને સંગીતકાર સલમાન અહમદ, જેમના પરિવારનું પણ અપહરણ કરાયું હતું. તેમાં લશ્કરી અદાલતોમાં નાગરિકો પર કેસ, વિરોધ પ્રદર્શનોને દબાવવા અને મહિલાઓ, લઘુમતીઓ અને બલુચ કાર્યકરોને પરેશાન કરવાની વાત કરવામાં આવી છે.

કોંગ્રેસ ગ્લોબલ મેગ્નિટ્સ્કી પ્રતિબંધો, વીઝા પ્રતિબંધ, સંડોવાયેલા અધિકારીઓની સંપત્તિ ફ્રીજ કરવા અને ઈમરાન ખાન અને રાજકીય કેદીઓની મુક્તિની માંગ કરવામાં આવી છે .આ પત્રમાં રુબિયોને પાંચ સવાલો કરાયા હતા.  જેમાં મુનીર પર હજુ સુધી કોઈ પ્રતિબંધો કેમ નથી લગાવ્યા, અમેરિકન નાગરિકોને ધમકીઓ પર જવાબ અને પાકિસ્તાની નેતાઓ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની તાજેતરની બેઠકોનું સંચાલન સામેલ છે.

આ પત્રમાં પાકિસ્તાનની 2024ની સામાન્ય ચૂંટણીઓ અંગે ચિંતાઓ વ્યક્ત કરાઈ છે. મત ગણતરી દરમિયાન અનેક શહેરોમાં ઇન્ટરનેટ બંધ થવાના અહેવાલ હતા. મીડિયા સંગઠનો પર દબાણ અથવા સેન્સર કરવામાં આવ્યા હતા.

સાંસદોએ દલીલ કરી હતી કે પાકિસ્તાની સેનાનો પ્રભાવ નાગરિક સંસ્થાઓ પર ઝડપથી વિસ્તર્યો છે. તેઓ નાગરિકો પર લશ્કરી અદાલતોમાં કેસ ચલાવવા તરફ નિર્દેશ કરે છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે શાંતિપૂર્ણ વિરોધ હવે અટકાયત અથવા ફોજદારી આરોપોનું જોખમ ધરાવે છે.

કોંગ્રેસના સાંસદો ગ્લોબલ મેગ્નિટ્સ્કી પ્રતિબંધો માટે દબાણ કરી રહ્યા છે, જે એક શક્તિશાળી ટૂલ છે જે અમેરિકાને ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન અથવા ભ્રષ્ટાચારના આરોપીઓની સંપત્તિઓ ફ્રિજ કરવા અને વિઝા બ્લોક કરવાની મંજૂરી આપે છે. 

જો આ લાગુ કરવામાં આવે તો જનરલ મુનીર અને કથિત દુર્વ્યવહાર સાથે જોડાયેલા અધિકારીઓની અમેરિકામાં સંપત્તિ જપ્ત કરવા, મુસાફરી પ્રતિબંધો અને નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. આ 2000ના દાયકાની શરૂઆતથી વોશિંગ્ટન દ્વારા પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વ સામે લેવામાં આવેલા સૌથી ગંભીર પગલાંઓમાંનું એક હશે