Thu Jan 01 2026

Logo

White Logo

ટિકિટ ન મળતાં એનસીપીના કાર્યકરોનો : નાગપુરમાં હંગામો: પાર્ટી ઑફિસમાં તોડફોડ...

1 day ago
Author: Yogesh C Patel
Video

નાગપુર: નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટ ન મળતાં નારાજ અજિત પવાર જૂથના એનસીપીના ઇચ્છુક ઉમેદવાર અને તેના સમર્થકોએ ભારે હંગામો મચાવ્યો હતો. રોષે ભરાયેલા કાર્યકરોએ પાર્ટી ઑફિસમાં તોડફોડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નાગપુરના ગણેશ પેઠ વિસ્તારમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથની શહેર અને ગ્રામીણ કચેરી આવેલી છે. ભાજપ સાથે યુતિ ન થતાં એનસીપીએ સ્વબળે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું, જેને પગલે ઇચ્છુક ઉમેદવારોને ટિકિટ મળવાની આશા વધી હતી. એ સિવાય સોમવારથી પક્ષ દ્વારા ઇચ્છુક ઉમેદવારોને ‘એબી’ ફૉર્મ પણ વહેંચવાનું શરૂ કરાયું હતું.

મળતી માહિતી અનુસાર ઇચ્છુક ઉમેદવાર અવિનાશ પારડીકરને ટિકિટ ન મળતાં તે નારાજ થઈ ગયો હતો, જેને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. રોષે ભરાયેલા તેના સમર્થકોએ પાર્ટી ઑફિસના કાચ અને ટીવીની તોડફોડ કરી હતી.

એનસીપીના શહેર એકમના પ્રમુખ અનિલ આહિરકરે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોમાં નારાજગી ફેલાય એ સ્વાભાવિક છે. એક સીટ માટે 10થી વધુ ઇચ્છુક ઉમેદવારોનાં નામ સામે આવ્યાં હતાં, પરંતુ એકને જ ટિકિટ આપી શકાય છે. બધાને ન્યાય મળે એવા અમારા પ્રયાસ છે.

આવી જ ઘટના છત્રપતિ સંભાજીનગરમાં પણ બની હતી. ત્યાંય ભાજપના એક ઇચ્છુક ઉમેદવારને ટિકિટ ન મળતાં ભાજપની ઑફિસમાં ઘૂસી કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો.