અમદાવાદઃ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે રવિવારે સમગ્ર રાજકોટ શહેરને ખુશખુશાલ કરી મૂક્યા હતા અને યુવાનો અને બાળકોમાં જોમ ભરી દીધું હતું. અહીંના અટલ સરોવર પાસેના સ્માર્ટ સિટી વિસ્તારમાં અદ્ભૂત એર શૉ હજારો શહેરીજનોએ માણ્યો હતો અને આપણા જવાનોના શિસ્ત અને હિંમતનો અનુભવ કર્યો હતો.
સૂર્યકિરણ ટીમના 9 વિમાનના કરતબોએ લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈએથી કરેલા દિલધડક કૂદકાએ લોકોને અચંબામાં નાખી દીધા હતા.
રવિવારે સવારે અટલ સરોવર ખાતે ખાસ વ્યવસ્તા કરવામાં આવી હતી. મોટી જનમેદની આ શૉને જોઈ શકે તે માટે 7 વ્યુ પોઈન્ટ રાખવામાં આવ્યા હતા અને પાર્કિંગ માટે 8 પ્લોટ્સમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્માર્ટ સિટીમાં જવા અને બહાર નીકળતા સમયે લોકોએ લાંબો સમય રાહ જોવી પડી હતી.
આકર્ષક લાઈવ પર્ફોમન્સને લીધે લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા. દરેક કરતબ રોમાંચથી ભરપૂર હતો. આકાશમાં વિવિધ આકૃતિઓથી માંડી શ્વાસ અધ્ધર કરી દે તેવા અલગ અલગ સ્ટંટ રાજકોટવાસીઓએ જોયાનો આનંદ વ્યક્ત કર્યો હતો.