Mon Dec 22 2025

Logo

White Logo

બાંગ્લાદેશમાં હિંદુની હત્યા પર બોલ્યા સપા નેતા: : કહ્યું, "કડક સજા મળવી જોઈએ, પરંતુ..."

2 days ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈ: ભારત વિરોધી નેતા અને કટ્ટરપંથી ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેને લઈને બાંગ્લાદેશમાં હિંસા ભડકી ઊઠી છે.  આ હિંસામાં એક હિંદુ વ્યક્તિની ક્રૂર હત્યા કરવામાં આવી છે. જેને લઈને ભારતમાં આક્રોશ ફેલાયો છે. સમાજવાદી પાર્ટીના નેતાએ બાંગ્લાદેશમાં થયેલી હિંસાને લઈને કડક કાર્યવાહીની માંગ કરી છે. 

મારી-મારીને હત્યા કરવામાં આવી 

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રેસિડેન્ટ અબુ આઝમીએ બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને હિંદુ વ્યક્તિની હત્યાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. અબુ આઝમીએ મીડિયાને જણાવ્યું કે, "ભલે હિંદુ હોય કે મુસ્લિમ, જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ખોટું કામ કરે છે. તો તેને કડક સજા થવી જોઈએ. જ્યાં પણ આવું થાય છે, જેની પણ સાથે થાય છે. તેની નિંદા કરવી જોઈએ. પરંતુ શું મારે પહેલા મારા દેશમાં ઘટી રહેલી ઘટનાઓની નિંદા કરવી જોઈએ?"

નીતીશ કુમાર સામે ફરિયાદ દાખલ થવી જોઈએ

અબુ આઝમીએ આગળ જણાવ્યું કે, "આપણા દેશમાં જેના માટે મુસલમાનોએ આઝાદીની લડાઈ લડી અને ક્યારેય દેશ સાથે ગદ્દારી નથી કરી, તેઓને હવે 'ગદ્દાર' કહેવામાં આવી રહ્યા છે. આ કેવો ન્યાય છે." આ ઉપરાંત અબુ આઝમીએ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની પણ ટીકા કરી હતી. નીતીશ કુમારને લઈને અબુ આઝમીએ જણાવ્યું કે, "તેમણે જે કર્યું, તે ખોટું છે. હું તેને કઠોર શબ્દોમાં નિંદા કરું છું. મુખ્ય પ્રધાન જેવા પદ પર બેસેલી વ્યક્તિ આવું કરી રહી છે, તેમની વિરૂદ્ધ કેસ દાખલ થવો જોઈએ."

નવા બાંગ્લાદેશમાં હિંસાને સ્થાન નથી

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને હિંદુ વ્યક્તિની થયેલી હત્યાને લઈને બાંગ્લાદેશની વચગાળાની સરકારે નિવેદન આપ્યું હતું. બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું કે, "મયમનસિંહમાં એક હિંદુ વ્યક્તિની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે, જેની અમે કઠોર શબ્દોમાં નિંદા કરીએ છીએ. નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. આ જઘન્ય અપરાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં."