રાયપુરઃ છત્તીસગઢના બિજાપુરમાં બુધવારે સાત નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવાની અને બે જવાન શહીદ થવાની જે ઘટના બની એનાથી 300થી 400 કિલોમીટર દૂર આ જ રાજ્યના રાયપુર (Raipur) શહેરમાં રમાતી ભારત અને સાઉથ આફ્રિકા (South africa) વચ્ચેની બીજી વન-ડે દરમ્યાન એક યુવાન સલામતી કવચ ભેદીને અચાનક શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમના મેદાન પર વિરાટ કોહલી પાસે દોડી આવ્યો હતો જેને પગલે આ સ્ટેડિયમમાં સિક્યૉરિટીમાં રહેલી ગંભીર કચાશ બહાર આવી છે.
રાંચીમાં રવિવારે કોહલીએ સદી પૂરી કરી ત્યાર બાદ તેનો એક ચાહક (Fan) પિચ પર તેના સુધી દોડી આવ્યો હતો અને સીધો તેના પગે પડ્યો હતો. બુધવારે રાયપુરમાં પણ એવો જ બનાવ બન્યો જેમાં આ યુવાન કોહલી સુધી પહોંચી ગયો અને તેને પગે લાગવા જતો હતો ત્યારે ખુદ કોહલીએ તેમ જ સલામતી રક્ષકોએ તેને રોક્યો હતો.
A fan breached security in Raipur to meet Virat Kohli. pic.twitter.com/SpYpKTiwxi
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2025
નવાઈની વાત એ છે કે પહેલાં ચારથી પાંચ સલામતી રક્ષકો દોડી આવ્યા, પરંતુ તેમનાથી આ યુવાન કાબૂમાં નહોતો રહ્યો. ત્યાર બાદ બીજા કેટલાક દોડી આવ્યા અને યુવાનને ટિંગાટોળી કરીને લાવી રહ્યા હતા ત્યારે તેણે નીચે ઉતરવાનો પ્રયાસ કરતા નીચે પડ્યો હતો. ત્યાર બાદ વધુ કેટલાક લોકો આવીને (કુલ 12 જણે) છેવટે એ યુવાનને ગ્રાઉન્ડની બહાર લઈ જવામાં સફળ થયા હતા. યુવાનને ઊંચકીને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે ખૂબ હસી રહ્યો હતો.
કોહલીએ આ મૅચમાં વન-ડેમાં 53મી તેમ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 84મી સદી ફટકારી હતી. તેની પહેલાં ઋતુરાજ ગાયકવાડે વન-ડેમાં પહેલી સેન્ચુરી કરી હતી. યુવાન દોડી આવવાની ઘટના વખતે ફીલ્ડિંગમાં ઊભેલા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ સલામતી રક્ષકોની કચાશ જોઈ રહ્યા હતા. એ ઘટના વખતે સ્ટેડિયમમાં પ્રેક્ષકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.