અમદાવાદ/મુંબઈ: ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડી અને ધુમ્મસની અસરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં આવી જ કડકડતી ઠંડી યથાવત રહેવાની આગાહી છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં પણ ઉત્તરના ઠંડા પવનોને કારણે નાશિક અને જળગાંવ સહિતના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી નવા વર્ષની શરૂઆતમાં બંને રાજ્યોમાં ઠંડીનું જોર વધશે.
નલિયા ટાઢુંબોળ, જાન્યુઆરીમાં પણ ઠંડીનો માહોલ
ગુજરાતમાં તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો 11.4 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર સિટી રહ્યું હતું. તે સિવાય દાહોદમાં 11.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ તેમજ સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનનો પારો આગામી 7 દિવસ સુધી યથાસ્થિતિ જળવાઈ રહેશે, આથી નવા વર્ષની શરૂઆતમાં પણ ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન?
ડિસેમ્બરના અંતમાં ઉત્તર ભારતમાં પડી રહેલા અતિશય ધુમ્મસ અને કડકડતી ઠંડીની અસર હવે મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં ઉત્તર મહારાષ્ટ્રના નાશિક, જળગાંવ અને ધૂળે જેવા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં અને ખાસ કરીને વિદર્ભના સરહદી વિસ્તારોમાં કડાકાની ઠંડી પડવાની શક્યતા રહેલી છે.