મહેસાણા/નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં મહેસાણા લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ હરિભાઈ પટેલે ગુજરાતમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વીઝા ફેસિલિટેશન સર્વિસીસ કેન્દ્ર (Visa Facilitation Services center) સ્થાપવાની માંગ કરી છે. સાંસદે સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પટેલે જણાવ્યું કે હાલમાં ગુજરાત રાજ્યમાં યુ.એસ. વીઝા માટે કોઈ કેન્દ્ર હાજર નથી. આ ગેરહાજરીને કારણે યુ.એસ. વીઝા અરજીઓ અને સંબંધિત સેવાઓ મેળવવા માંગતા રહેવાસીઓને મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ કે ચેન્નાઈ જેવા દૂરના મોટા શહેરોમાં જવાની ફરજ પડે છે.મહેસાણાના સાંસદે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફરજિયાત મુસાફરીના પરિણામે ગુજરાતના નાગરિકોના સમય અને નાણાં બંનેનો મોટો બગાડ થાય છે.
આ મુદ્દાને સંબોધતા પટેલે કહ્યું: મારા સંસદીય મતવિસ્તાર મહેસાણા લોકસભામાં, તેમજ ઉત્તર ગુજરાતમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વીઝા ફેસિલિટેશન સર્વિસ સેન્ટર એક પણ નથી. પરિણામે, અહીંના રહેવાસીઓને વીઝા અરજીઓ અને અન્ય સંબંધિત સેવાઓ માટે દિલ્હી, મુંબઈ કે ચેન્નાઈ સુધીની મુસાફરી કરવી પડે છે, જેનાથી સમય અને નાણાંનો મોટો બગાડ થાય છે. તેથી, હું આ ગૃહ દ્વારા ભારત સરકારના વિદેશ પ્રધાનને મારા સંસદીય મતવિસ્તાર મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં યુ.એસ. વીઝા ફેસિલિટેશન સર્વિસ (VFS) સેન્ટર ખોલવામાં આવે તેવી નમ્રતાપૂર્વક વિનંતી કરું છું. જેથી મહેસાણા લોકસભા મતવિસ્તાર તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત પ્રદેશના રહેવાસીઓ આ સેવાઓ સરળતાથી અને સગવડતાપૂર્વક મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ટ્રમ્પ સરકાર ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સને પરત મોકલી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના 100થી વધારે લોકોને પરત મોકલવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના સૌથી વધુ લોકો છે. અમેરિકાની સરકારે ગેરકાયદે વરવાટ કરતા લોકો સામે લાલ આંખ કરી હોવા છતાં ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ ઓછો નથી થઈ રહ્યો.