Mon Dec 22 2025

Logo

White Logo

સોલર પેનલ ભૂલી જાઓ, છત પર લગાવો આ 'સોલર ટાઇલ્સ'; : ગુજરાતી યુવાનની કમાલને PM મોદીએ પણ બિરદાવી

1 day ago
Author: Devyat Khatana
Video

ગુજરાતના ઉદ્યોગ સાહિસકે વિકસાવ્યું અનોખું 'સોલર ટ્રી' અને વોકેબલ 'સોલર ટાઇલ્સ', જાણો કેવી રીતે બદલાશે વીજળીનો વપરાશ

અમદાવાદ: ગુજરાત હંમેશા ઉદ્યોગસાહસિકોની ભૂમિ રહ્યું છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક સ્ટાર્ટઅપ પોલિસી અને 'વાઈબ્રન્ટ ગુજરાત' જેવા વૈશ્વિક મંચના કારણે અનેક યુવા પ્રતિભાઓ ઊભરી રહી છે. આવું જ એક પ્રેરણાદાયી નામ છે સન્ની પંડ્યા અને તેમનું સ્ટાર્ટઅપ 'ઈમેજીન પાવર'. ગાંધીનગરમાં પ્રવેશતા જ એક સર્કલ પર નજર પડતા આંખ ચમકે એવું સોલાર ટ્રી‌ નજરે ચડે....આ સોલાર ટ્રી‌ના પ્રણેતા એ સન્ની પંડ્યા અને તેમનું સ્ટાર્ટઅપ 'ઈમેજીન પાવર'.

પેનલ્સને બદલે છત પર લગાવો 'સોલર ટાઇલ્સ'

સામાન્ય રીતે સોલર પેનલ્સ ઘરની છત પર ઘણી જગ્યા રોકે છે અને દેખાવમાં પણ આકર્ષક હોતી નથી. આ સમસ્યાના ઉકેલ રૂપે સન્ની પંડ્યાએ 'સોલર ટાઇલ્સ' વિકસાવી છે. આ ટાઇલ્સ માત્ર વીજળી જ નથી ઉત્પન્ન કરતી, પરંતુ તે ઘરના ધાબા કે વોક-વે પર સામાન્ય ટાઇલ્સની જેમ લગાવી શકાય છે, જેના પર ચાલી પણ શકાય છે. આ ઉપરાંત, તેમનું 'સોલર ટ્રી' (Solar Tree) મોડેલ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આ એક એવું માળખું છે જે ઝાડ જેવું દેખાય છે અને તેના પર લાગેલી પેનલ્સ ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ સૌર ઊર્જા મેળવે છે. તે બગીચાઓ, જાહેર માર્ગો અને કોર્પોરેટ ઓફિસો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.

કઇ રીતે સ્ટાર્ટઅપને ઊંચાઈ સુધી પહોંચાડ્યું?

કોઈપણ સ્ટાર્ટઅપ માટે શરૂઆતનો સમય સંઘર્ષપૂર્ણ હોય છે, પરંતુ સન્ની પંડ્યાને ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ મજબૂત પીઠબળ મળ્યું. આ અંગે વધુ જણાવતાં તેમણે કહ્યું હતું કે, "મારૂં બેકગ્રાઉન્ડ ઉદ્યોગનું  નથી. માતા-પિતા શિક્ષક છે. ત્યારે મારા સોલર ટ્રી અને  ટાઈલ્સના વિચારને ઉદ્યોગમાં  પરિવર્તિત કરવા માટે સરકારની સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત ૧૫ લાખ જેટલી મળેલી ગ્રાન્ટ અને સબસિડીએ પ્રોટોટાઈપ બનાવવામાં અને સંશોધનમાં મોટી મદદ કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના ગ્લોબલ પ્લેટફોર્મ પર 'ઈમેજીન પાવર'ને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળી હતી. જ્યાં અમને મોટા રોકાણકારો અને સંભવિત ગ્રાહકો સાથે જોડાવાની તક મળી, જેનાથી અમારા વ્યવસાયને નવી ઊંચાઈ મળી છે."

PM મોદીએ પણ સન્ની પંડ્યાને બિરદાવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોલાર ટ્રી અને ટાઈલ્સની નવીન ટેકનોલોજી માટે સન્ની પંડ્યાને બિરદાવ્યા હતા. ઇમેજીન પાવર સ્ટાર્ટઅપને રાજ્ય સરકારના પીડીઈયુ ખાતેના ઈન્ક્યુબેશન સેન્ટર દ્વારા ટેકનિકલ અને માર્કેટિંગ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સ્ટાર્ટઅપ પર્યાવરણ અને વિકાસનો સંગમ છે. સન્ની પંડ્યાનું આ સ્ટાર્ટઅપ માત્ર નફો નહીં પણ ભારતને 'નેટ ઝીરો' કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય તરફ લઈ જવામાં પણ મદદરૂપ થઈ રહ્યું છે. સોલર ટાઇલ્સ જેવી ટેકનોલોજી સામાન્ય માણસ માટે સૌર ઉર્જા અપનાવવી વધુ સરળ અને સ્ટાઇલિશ બનાવી રહી છે.