Mon Dec 22 2025

Logo

White Logo

ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરવાના નામે : સાયબર ફ્રોડમાં યુવાને રૂ. 9 લાખ ગુમાવ્યા

4 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ આવક વધારવા માટે ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરી તેના બદલામાં સારી એવી કમાણી કરવાની ભેજાબાજોની જાળમાં આવી ગયેલા મૂળ મોટા આસંબિયાના અને હાલમાં ભુજના મિરજાપર ગામમાં રહેતા યુવકને ૯.૩૭ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, મિરજાપર રહેતો અને ભુજના હોસ્પિટલ રોડ પર સ્થિત આઇઆઇએફએલ ફાયનાન્સ કંપનીમાં ફરજ બજાવનાર દેવ પ્રિતેશભાઈ મકવાણાએ બોર્ડર રેન્જ ભુજની સાયબર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. ૨૪-૧૧ના રોજ તેના ટેલિગ્રામ એપ પર અજ્ઞાત આઈ.ડી. પરથી પોતે ગૂગલ રિવ્યૂ મેનેજમેન્ટના એચ.આર. મેનેજર હોવાની ઓળખ આપનારનો સંદેશો આવ્યો હતો.

આ વ્યક્તિએ ગૂગલ મેપ પર લિસ્ટ થયેલી વિવિધ હોટેલોને ફાઈવ સ્ટાર રેટિંગ આપી દરરોજ ઘરબેઠા રોજના પાંચ હજાર કમાઈ શકશો તેવું જણાવ્યું હતું. આ લલચામણી સ્કીમ અંગે દેવ સહમત થયો હતો અને આ બાદ સાયબર અપરાધીએ કથિત ઓનલાઈન ટાસ્ક માટે રેટિંગ મેળવીને ફરિયાદીના યુ.પી.આઈ. આઈ.ડી. તથા ક્યુ.આર. કોડ મેળવી લીધા હતા. આ બાદ આરોપીએ આપેલા ક્યુ.આર. કોડ પર ક્લિક કરતાં બીજી એક ટેલિગ્રામ આઈ.ડી. ઓપન થઈ.

આમ દેવ એક પછી એક વિવિધ ગ્રુપ - આઈ.ડી.ના ચક્કરમાં સપાડાઈ ગયો હતો અને તેના ડિજિટલ વોલેટમાં નફો દેખાતાં લાલચમાં આવ્યો હતો. આ બાદ આ અજાણ્યા આરોપીના કહેવા પ્રમાણે ૧૪ વિવિધ ખાતામાં કુલ મળીને રૂ. ૯,૩૭,૭૩૨ ટ્રાન્સફર કરી દીધા હતા. આ રકમ આરોપીએ આપેલી ક્રિપ્ટો કરન્સી વોલેટમાં દેખાતી હતી. દેવે પૈસા ઉપાડવા પ્રયાસો કર્યા હતા. આ ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતાં પોતે છેતરાઈ ગયો હોવાનો ખ્યાલ આવતાં તેણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.