(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ એક તરફ, આગામી ૨૫મી જાન્યુઆરી,૨૦૨૬ના રોજ ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા સંસ્થાની ૫૦ વર્ષની ઉજવણી માટે મુંબઇ શહેરમાં મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે તેવામાં અબડાસાની રાતા તળાવ પાંજરાપોળના સ્થાપક મનજી ખેતશી ભાનુશાલી ઊર્ફે મનજી બાપુને, ભાજપના પીઢ નેતા જયંતી ભાનુશાલી હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવતા કચ્છ સહીત બૃહદ કચ્છના ભાનુશાલી સમાજમાં ભારે ચકચાર પ્રસરી છે.
શું છે મામલો
પ્રાપ્ત વિગતો મુજબ, અબડાસા વિસ્તારના માજી ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ગત જાન્યુઆરી, ૨૦૧૯માં સયાજી એક્સ્પ્રેસ ટ્રેનમાં બે શાર્પશૂટરો દ્વારા બંદૂકના ભડાકે હત્યા કરી દેવાના, રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં જે-તે સમયે અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાનુશાલીના રાજકીય હરીફ છબીલ પટેલ, તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ, જેન્તી ઠક્કર, સુરજીત પરદેશી (ભાઉ) અને મહારાષ્ટ્રના શાર્પશૂટરો સહિત પકડાયેલા ૧૨ આરોપીઓ સાત વર્ષના ગાળામાં જામીન પર મુક્ત થઈ ગયાં છે, અલબત્ત, હત્યાના અન્ય એક બનાવમાં મહારાષ્ટ્રની પુણેની યરવડા જેલમાં સજા કાપી રહેલા બે પૈકીના એક શાર્પ શૂટર એવા વિશાલ નાગનાથ કામબલેની અન્ય બંદિવાનોએ હત્યા કરી નાખી હતી, જયારે
ભાનુશાલીની હત્યાના એક વર્ષ બાદ ગુનાની તપાસ કરતી રેલવે અને સીઆઈડી ક્રાઈમની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે સમન્સ પાઠવીને અમદાવાદ સ્થિત કચેરીએ મનજી ભાનુશાલીની મેરેથોન પૂછપરછ બાદ જવા દીધા હતા.
આ પરિસ્થિતિ વચ્ચે ભાનુશાલી હત્યા કેસના મુખ્ય ફરિયાદી અને મૃતક ધારાસભ્યના ભત્રીજા એવા સુનિલ ભાનુશાલી દ્વારા ભચાઉની સેશન્સ અદાલત સમક્ષ રાતા તળાવ પાંજરાપોળના સ્થાપક મનજી ભાનુશાલીને આરોપી બનાવવા માટે અરજી દાખલ કરાઈ હતી જેમાં જણાવ્યા અનુસાર, રાતા તળાવ પાંજરાપોળના પશુઓને આપવામાં આવતી સબસીડીનો મનજી બાપુ દુરુપયોગ કરતા હોવા અંગેની જયંતી ભાનુશાલીએ ગત તા.૨૪-૦૩-૨૦૧૫ના રોજ તત્કાલીન જિલ્લા સમાહર્તા સમક્ષ અરજી કરી હતી. તેમજ વર્ષ ૨૦૧૩-૨૦૧૪માં મનજી બાપુ દ્વારા જાહેર માર્ગ પર ગેરકાયદે રીતે કરેલાં અતિક્રમણને જયંતભાઈએ હટાવ્યું તે બાબતનું બાપુને મનદુઃખ હતું. હત્યા કેસના સહઆરોપી જેન્તી ઠક્કર સાથે મનજી બાપુને પહેલાંથી જ ખૂબ નિકટના સંબંધો હતા તો મહિલા આરોપી પણ તેમના આશ્રમ પર આવતી રહેતી હતી.
હત્યાના ત્રણેક દિવસ અગાઉ મનજી બાપુએ રાતા તળાવ ખાતે ગૌ-બચાવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમાં જયંતી ભાનુશાલીને આયોજનપૂર્વક આમંત્રણ આપીને બોલાવ્યા હતા. જેનું કારણ આપતાં સુનિલ ભાનુશાલીએ અરજીમાં જણાવ્યું હતું કે, મૃતક માજી ધારાસભ્ય તેની કરપીણ હત્યાના આગલા જ દિવસે અમદાવાદ જવાના હતા પરંતુ મનજી ભાનુશાલીએ તેમને મહિલા આરોપી સાથેના કથિત સેક્સ કાંડને લઈને ચાલી રહેલા વિવાદના સમાધાન માટે બેઠકના બહાને જાણી જોઈને રોકી રાખ્યા હતા. મુંબઈથી ફ્લાઈટમાં ભુજ આવતા મનીષા અને જેન્તી ઠક્કરને છબીલ પટેલ વિદેશ હોવાની અને ગૌ બચાવ કાર્યક્રમ બાદ મનજી બાપુએ સમાધાન અર્થે સ્વ.જયંતીભાઈને રોક્યા હોવાની માહિતી હતી.
સોગંદપૂર્વક જુબાની આપ્યા બાદ નામદાર અદાલતે મનજી ભાનુશાલીને સમન્સ પાઠવી, આગામી ૧૯ જાન્યુઆરીના રોજ અદાલત સમક્ષ હાજર થઈને ટ્રાયલનો સામનો કરવા ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ હુકમ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.