સુરતઃ કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતા તેને સમાજમાંથી ન્યાત બહાર કરવામાં આવી હતી. આ અંગેનો વિવાદ હાલ માંડ શાંત પડ્યો છે. પાટીદાર સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં વિરોધ થઈ રહ્યો છે. પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા પણ મેદાનમાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો
પાટીદાર સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે. બન્ને વચ્ચે દોઢ વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ લવ મેરેજ કરી લીધા હતા. આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો. આરતીના લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે. પાટીદાર આગેવાનોના કહેવા પ્રમાણે, આરતી સાંગાણી અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે. જેથી સમાજમાં ખૂબ રોષ છે. સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, તેનો સમાજમાંથી બહિષ્કાર કરો અને પટેલ સમાજના કાર્યક્રમમાં ન બોલાવો. પટેલ સમાજના જ્યાં પણ કાર્યક્રમ હોય ત્યાં જઈને વિરોધ કરો, પ્રોગ્રામ બંધ કરાવો.
અલ્પેશ કથીરિયાએ શું કહ્યું
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું, આરતીના માતા-પિતાએ 10 દિવસ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોધાવી હતી. દીકરી માતા-પિતા સાથે રૂબરુ વાત કરવાના બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરીને જવાબો આપી રહી છે. જે પરિવાર માટે આઘાતજનક છે.
આ ઉપરાંત અલ્પેશ કથીરિયાએ કહ્યું, આરતી જે લેવલ પર પહોંચી છે, તેની પાછળ માત્ર તેની મહેનત નહીં પરંતુ તેના માતા-પિતા અને સમાજનો સિંહફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ ચોક્કસ હોદ્દા કે સ્થાન પર હોય છે, ત્યારે તેના દ્વારા લેવાતા નિર્ણયોની સમાજ પર શું અસર થશે, તે વિચારીને પગલું ભરવું જોઈએ. અલ્પેશ કથીરીયાના મતે, હાલ જે ઘટના સામે આવી છે તેમાં પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત, લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરીને તેમાં દીકરીના માતા-પિતાની સહીને ફરજિયાત બનાવવામાં આવે તેવી પાટીદાર સહિત અનેક સમાજ માંગ કરી રહ્યા છે. પ્રેમ લગ્ન બાદ દીકરીના પરિવારને સમાજમાં મોટી તકલીફનો સામનો કરવો પડે છે. આ પ્રથાને અંકુશમાં લેવા માટે સમાજના આગેવાનોએ કાયદામાં સુધારો લાવવાની માંગણી કરી હતી.