અમદાવાદઃ અમદાવાદના ખરાબ રસ્તાઓ લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યાં છે. અમદાવાદમાં અનેક રસ્તાઓ એવા છે જેમાં ખાડાઓ પડેલા છે. જેના કારણે અકસ્માતનો ભય વધારે રહે છે. આવી જ એક ઘટના ફરી પ્રકાશમાં આવી છે. નરોડા અરવિંદ મિલ પાસે એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં પંજાબની 28 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ મહિલાને એક ટ્રકે અડફેટે લીધી હતી. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, આ મહિલા પંજાબથી ગુજરાતમાં દર્શન માટે આવેલી હતી, જેનું અત્યારે અકસ્માતના કારણે મોત થયું છે.
પંજાબથી ગુજરાતમાં દર્શન કરવા આવેલી મહિલાનું મોત
અકસ્માતની વિગતે વાત કરવામાં આવે તો અરવિંદ મિલ પાસે આવેલા રોડ પર ખાડાઓ પડ્યાં છે. આ ખાડાઓના કારણે આયશર ટ્રકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા થઈ હોવાના કારણે મૃત્યું થયું છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે આ મહિલા ભદ્રકાળી મંદિરેથી દર્શન કરીને પાછી આવી રહી હતી. આ ઘટના મામલે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
શહેરના ખાડાઓ લોકો માટે જીવલેણ સાબિત થયાં
અમદાવાદ પોલીસે ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ નોંધીને તેને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે. જો કે, મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેર ખાડાઓનું શહેર બની ગયું છે. શહેરમાં ઠેરઠેર રસ્તાઓ પર ખાડાઓ પડેલા છે. આ ખાડાઓ લોકો માટે જીવલેણ સાબિત થયાં છે. ટેક્સપેટે અમદાવાદ શહેરના લોકો સૌથી વધારે રૂપિયા ચૂકવે છે તેમ છતાં પણ તેમને આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા બાદ અમદાવાદ શહેરના રસ્તાઓ બેકાર બની જતાં હોય છે.
રસ્તાઓ બિસ્માર છે અને તંત્ર ઘોર નિંદ્રામાં!
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રોડ-રસ્તા માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં પણ કામના નામે માત્ર મીંડું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અત્યારે અમદાવાદમાં શેલા, સાઉથ બોપલ, ચાંદખેડા, નરોડા અને નિકોલમાં અનેક રસ્તાઓ એવા છે જેમાં મોટા મોટા ખાડાઓ પડ્યાં છે. આવા રસ્તાઓના કારણે છાશવારે અકસ્માતની ઘટના બનતી રહે છે. સ્થાનિકો સાથે સાથે મુસાફરોને પણ આવા રસ્તાઓના કારણે મુશ્કેલીઓ વેઠવી પડે છે.