ડૉ. બળવંત જાની
રૂપાંદે-માલદે સંત યુગલ શક્તિ પરંપરામાં ભારે મહત્ત્વનું છે. રાજા માલદે નાસ્તિક હતા. એમને કોઈ ગુરુ પણ ન હતા. રૂપાંદેએ લગ્ન પછી માલદેને ધર્માભિમુખી બનાવીને સંતત્વના માર્ગે વાળેલ. પતિની પ્રકૃતિમાં પરિવર્તન લાવવાનું કામ પત્ની કરે, દુરિતને, દુરાચારને સદાચાર અને સત્સંગ તરફ ઢાળવાનું કામ સફળતાથી પાર પડે એમાં પત્નીનું ભક્ત હૃદય, ભક્તિ પ્રકૃતિ અને એના પ્રભાવને કારણભૂત માનવામાં આવે છે.
રાવ મલ્લીનાથ રાજસ્થાની રાજવી છે. સંતવાણીમાં રાઓલ માલા-રાવળ માલા, માલદે નામથી એ પ્રખ્યાત છે. રૂપાં રાણી મેંઘ ધારુની શિષ્યા છે. મહાપંથની પથિક છે. મહાપંથના માર્ગે પતિદેવને વાળી શક્વા એ સમર્થ બની. ભારતીય માતૃશક્તિ, નારીસત્તા અને મહિલા મનોજગતની આ વાસ્તવિક ઘટના વિશ્વ સમક્ષ મૂકવા જેવી છે.
સતમાર્ગ અને સદાચારને જીવનમાં વ્યવહારમાં ઉતારવા માટેનો એમનો ઉપદેશ માત્ર રાવ મલ્લિનાથ માટે જ નથી. સમગ્ર માનવ સમુદાયને સ્પર્શે એ કક્ષાની સનાતન અને શાશ્વત ભૂમિકા એમાં નિહિત છે. ભારતીય નારી માત્ર રંભા નથી, માતા નથી, મિત્ર નથી અને ઉપદેશક પણ છે. એનું ભાન કરાવતું આ ભજન મહત્ત્વનું જણાયું છે. આ ભાવને આલેખતું એક ભજન ખૂબ પ્રચલિત છે. એને મળતું આવતું પરંપરામાં ઓછા પ્રચલિત ભજનનો પાઠ મને ભજનસાગર જેવા જૂના સંપાદનમાંથી પ્રાપ્ત થયેલ છે, એને આસ્વાદીએ.
એ રાવળ માલા, આ દલ ખોજો તો, માયલાને જાણજો.
...ટેક઼..
એ રાવળ માલા, તારા વિના, તુંબા ક્યું બજેલા હે જી
એ રાવળ માલા, આ દલ ખો જો તો, માયલાને જાણજો. ...1
એ રાવળ માલા, કોઈ દિન દાતાને કોઈ દિન ભુક્તા હે જી,
કોઈ દિન બાળુડાને વેશે હોણાં રે, રાવળ માલા, આ દલ - ખોજો તો ....2
એ રાવળ માલા, પારકી જણસ તો, માગીને લેણાં હે જી,
એ તો અરથ સરે ને પાછી દેણો રે, રાવળ માલા, આ દલ - ખોજો તો ...3
એ રાવળ માલા, ભખર નારી વાકો, સંગ નવ કરણાં હે જી,
તાકું હાથ જોડને દૂર રેણાં રે, રાવળ માલા, આ દલ - ખોજો તો ....4
એ રાવળ માલા, પરાઈ બેટી તો, જનની કરી જાણનાં હે જી,
તાકું બેની કહી બોલવણાં રે, રાવળ માલા, આ દલ - ખોજો તો ....પ
એ રાવળ માલા, ગુરુને પ્રતાપે, સતી રૂપાંદે બોલ્યાં હે જી,
એ તો બોલ્યાં છે અગમ જુગનાં વેણાં રે, રાવળ માલા, આ દલ -ખોજો તો ....6
રૂપાંદે પતિને સંબોધે-પ્રબોધે છે. એમાં એ એના ચિત્તને તપાસવાનું અને એમાંથી પ્રત્યુત્તર મેળવવાનું કથે છે. દિલને ખોજવાનું કહે છે જેમાં દેહ અને વિલ માટે તાર અને તુંબડું રૂપક યોજે છે. સંગીત-સૂર એ બેના સાયુજ્યથી-સંવારથી જ પ્રગટે.
માનવજીવનમાં બધું સારું-સરખું નથી રહેતું. ક્યારેક દાતાર-દાનવીર હોઈએ તો ક્યારેક આપણે જ લાભાર્થી-ભોક્તા હોઈએ. ક્યારેક બાળક જેવા સાવ પરાધીન - અન્ય પર આધાર રાખીને ભોળા, નિર્દેશ અવસ્થામાં હોઈએ.
હે રાવ મલ્લીનાથ-માલદે કોઈની પારકી વસ્તુ માગીને ઉછીની અવશ્ય લેવી પણ આપણું કાર્ય પૂર્ણ થયે એને પરત કરવાની હોય. કોઈના લેણદાર ન રહેવું. એ ભાવ અહીં વિહિત છે. પરસ્ત્રી-મહિલાની સંગત માટે વૃત્તિ ન રાખવી. એને તો દૂરથી નમસ્કાર કરવા. અને એનાથી દૂર રહેવું. અન્યકોઈ તરુણી-યુવાન મહિલાને માતૃ સ્વરૂપે અવલોકવી અને બહેન-ભગિની-માનીને એને સંબોધન કરવું. રાઓલ માલદેજી તમે તમારા હૃદયને દિલને પૂછશો તો આ જ ઉત્તર મળશે. હું જે તમને કહું છું. એ આપણી આગળથી - પ્રાચીનકાળથી ચાલી આવતી પરંપરા-સંસ્કૃતિનો ઉપદેશ મારા ગુરુની કૃપાથી આપને કહી રહી છું.
અહીં જીવનમાં આવતા ચઢાવ-ઉતારની વાત પારકી વસ્તુ પરત્વે અનાસક્ત રહેવાની પ્રકૃતિ કેળવવાનું કથન અને સ્ત્રીથી-નારીથી દૂર રહેવાનો-કામભાવને ત્યાગવાનો ઉપદેશ. નારીને માતા કે બહેન માનીને એમની સાથે સંવાદનું વલણ રાખવાની વાત. માનવ જીવનને અધ્યાત્મ માર્ગે સદમાર્ગે વળવા માટેના આ ત્રણ માર્ગો મહત્ત્વના છે.
સાધના-ઉપાસના અને નામ જાપ પૂર્વે સદાચારી વ્યક્તિત્વ કેળવવાની વિગતને ભારથી કહેતી રૂપાંદે એક રાજવીની રાજસ, તમસ પ્રકૃતિને ઉપદેશ અર્પીને એને પલટાવવામાં સફળ રહી એનું ભારે અર્થપૂર્ણ અને મર્મપૂર્ણ ભજન ભાંગતી રાત્રે શિવરાત્રીના જૂનાગઢના મેળામાં તંબુરના તારે બે-ત્રણ દાયકા પહેલા નિરંજન રાજયગુરૂની સાથે સાંભળેલું એનું તીવ્ર સ્મરણ ચિત્તમાં આજે પણ અકબંધ છે. ખાસ તો પ્રત્યેક કડીની બીજી પંક્તિના પૂર્વાર્ધોને અંતે આવતો આજ્ઞાર્થ સૂચક એવી હોણાં, દેણાં, રેણાં, બોલવણાં અને વેણાં પ્રાસ માટેનું અર્થપૂર્ણ યોજના રૂપાંદેની સહજ રીતે કાવ્યકથન પ્રતિભા અને સહજ સર્ગશક્તિની પરિચાયક છે. એ આપણાં ચિત્તનો કબ્જો મેળવે છે.